આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન
21st February
દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવવામાં આવે છે. આ ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવાનો અને માતૃભાષાને જાળવી રાખવાનો છે.

માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે. બાળક જે કાંઈ સર્જન કરે છે, સમસ્યાનો ઉકેલ મેળવે છે, પોતાનાં કૌશલ્યો વિકસાવે છે તે બધું માતૃભાષા દ્વારા સહજ રીતે શક્ય બને છે. દરેક વ્યક્તિના જીવનમાં જ્ઞાનનો આરંભ માતૃભાષાથી થાય છે. વ્યવહારનું જ્ઞાન પણ દરેક વ્યક્તિ માતૃભાષામાં સહજતાથી મેળવે છે. મનના ભાવોને માતૃભાષામાં યોગ્ય રીતે વ્યક્ત કરી શકાય છે. વળી, સંકટના સમયે અથવા દુ:ખના સમયે મુખમાંથી માતૃભાષામાં જ સહજ ઉદગારો સરી પડે છે. વિચારોની મૌલિકતા અને સ્પષ્ટતા માતૃભાષામાં સરળતાથી મેળવી શકાય છે. સંશોધન દ્વારા એવું સિદ્ધ કરવામાં આવ્યું છે કે જો બાળકને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ મળે તો તેનો સર્વાંગી વિકાસ થઈ શકે છે, કારણકે માતૃભાષા એક શક્તિશાળી સાધન છે, જે બાળકની શીખવાની કુશળતાને આગળ વધારવામાં મદદ કરે છે. માતૃભાષામાં વાત કરવાથી બાળકોમાં પ્રત્યાયન કૌશલ્યનો વિકાસ પણ સરળતાથી થાય છે, જે તેમને વર્ગખંડમાં અન્ય બાળકો સાથેની સહભાગિતા વધારવામાં મદદ કરે છે.

રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા કરતા કહેલું કે, "માતૃભાષા તો માતાનું ધાવણ છે, જે રીતે બાળકને માતાનું દૂધ વધારે વિકસાવે છે. મજબૂત બનાવે છે તે જ રીતે માતૃભાષા સુપોષિત કરે છે. માતૃભાષા તો સંસ્કૃતિ, વ્યવહાર, ધર્મ, પ્રેમ, સંસ્કાર અને સ્નેહને સાંકળતી એક કડી છે." સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા, સમજવા માતૃભાષા જરૂરી છે. માતૃભાષા ન આવડે તો વ્યક્તિ પોતાના સમાજ, ધર્મ, સંબંધો, સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ થતો જાય છે. તેથી માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લોકોને માતૃભાષાની અગત્ય સમજાવવામાં આવે છે.

આજે કેટલીક ભાષાઓ લુપ્ત થઈ જતાં ભાષાકીય વિવિધતા વધુ જોખમમાં આવી ગઈ છે. યુએનના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે 40% વસ્તી તેઓ બોલે છે અથવા સમજે છે એ ભાષામાં શિક્ષણ મેળવતી નથી. તેથી જ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી દ્વારા લુપ્ત થતી માતૃભાષાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

યુનેસ્કો દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક થીમ (વિષય) નક્કી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. વિશ્વના બધા દેશો આ દિવસે પોતાની માતૃભાષાનું ગૌરવગાન કરે છે અને તેના વિકાસ તેમજ સંવર્ધન માટેની વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે અને તે દ્વારા માતૃભાષાનું મહત્વ જન-જન સુધી પહોંચે તેવા પ્રયત્નો કરે છે. ગુજરાત રાજ્યમાં પણ દર વર્ષે અલગ અલગ શહેરોમાં ગુજરાતી લેખકો, કવિઓ અને માતૃભાષાના સંવર્ધન માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.