આંતરરાષ્ટ્રીય મજૂર દિન
01st May
સમગ્ર વિશ્વમાં 1 મે નો દિવસ 'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' કે 'આંતરરાષ્ટ્રીય કામદાર દિન' તરીકે ઊજવવામાં આવે છે. જગતનાં મજૂર સંગઠનોએ કામકાજનો દિવસ 8 કલાક નો જ હોવો જોઈએ તે માટે મોટી લડત આપવી પડી હતી. જોકે, આ ઉદ્દેશ સફળ બનાવવા માટે મજૂર સંગઠનોએ ભારે સંઘર્ષ કરવો પડયો હતો અને તેથી જ વિશ્વમાં આ દિવસને 'આંતરરાષ્ટ્રીય મજૂર (કામદાર) દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને કામદારો આઠ કલાકના કામકાજ દિન તરીકે તો મનાવે છે જ, પરંતુ તેની સાથે-સાથે તેઓ આ દિવસે મૂડીવાદી પદ્ધતિઓ અને નીતિરીતિઓને પણ પડકારે છે.

યુ. એસ. અને યુ. કે. સહિત દુનિયાના અનેક દેશોમાં કામદારો માટે કામકાજના 10 કલાક હતા. તેમનું શારીરિક અને માનસિક રીતે શોષણ થતું હતું. આ બાબતને લઈને 21 એપ્રિલ, 1956 ના રોજ ઓસ્ટ્રેલિયામાં એક હડતાળ પાડવામાં આવી, જેમાં કામના કલાક માત્ર આઠ જ હોવા જોઈએ તેવા અધિકારની માંગણી કરવામાં આવી હતી. શરૂઆતમાં તો આ હડતાળને માત્ર એક સાધારણ હડતાળ તરીકે જ ગણવામાં આવી હતી, પરંતુ 1956 ની આ હડતાળને મળેલી અભૂતપૂર્વ સફળતાથી પ્રેરાઈને કામદારોએ નક્કી કર્યું હતું કે, દર વર્ષે એક દિવસ કામકાજ બંધ રાખવાથી મજૂર સંગઠનના ઉદ્દેશોને બળ મળશે. યુ. એસ.ના નેશનલ યુનિયન ઓફ લેબર જેવાં સંગઠનોએ ઓસ્ટ્રેલિયા પાસેથી પ્રેરણા મેળવીને 1 મે, 1966 ના દિવસે રાષ્ટ્રીય હડતાળ પાડવાનું અને દેખાવો યોજવાનું નક્કી કર્યું. આ બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર શિકાગો માં હતું. 1 મે, 1966 ની હડતાળને બહોળો પ્રતિસાદ મળતાં તે સંપૂર્ણ સફળ બની હતી. ત્યાર બાદ શિકાગોના હે માર્કેટ સ્કવેરમાં બનેલા બનાવને લઈને મજૂર સંગઠનની પ્રવૃત્તિઓને વધારે વેગ મળ્યો હતો.

અમેરિકામાં 'વિશ્વ મજૂર દિન' (વર્લ્ડ લેબર ડે) ઊજવવાનો પ્રસ્તાવ 1 મે, 1889 ના રોજ અમલમાં આવ્યો હતો. જ્યારે ભારતમાં મજૂર દિવસની ઉજવણી ત્યાર પછીના 34 વર્ષ બાદ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં પણ મજૂરો અત્યાચાર અને શોષણ સામે અવાજ ઉઠાવતા હતા. ડાબેરીઓ મજૂર સંગઠનોની આગેવાની કરી રહ્યા હતા. તેમની ચળવળને ધ્યાનમાં રાખીને 1 મે, 1923 ના રોજ ચેન્નાઈમાં સૌ પ્રથમવાર મજૂર દિનની ઉજવણી કરવામાં આવી હતી. લેબર કિસાન પાર્ટી ઑફ હિંદુસ્તાન આ દિવસની ઉજવણીમાં અગ્રસ્થાને હતી. ઘણી સંસ્થાઓ અને સામાજિક રાજકીય પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો.

'આંતરરાષ્ટ્રીય મજૂર દિન' દર વર્ષે અલગ અલગ થીમ પર ઊજવવામાં આવે છે. વર્ષ 2023 માં મજૂર દિન ઊજવવાની થીમ 'સકારાત્મક સુરક્ષા અને હેલ્થ કલ્ચરના નિર્માણ માટે સાથે મળીને કામ કરવું' રાખવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય જુદાં જુદાં ઔદ્યોગિક ગૃહોના માલિકો, મજૂરો તેમજ સમાજને એકસરખી રીતે નુકસાનકારક એવી મોટી મોટી કામદાર ચળવળોથી મહદંશે મુક્ત રહ્યું હતું. દેશના અન્ય ભાગોની પરિસ્થિતિની સરખામણીમાં ગુજરાતના મજૂરોના પ્રશ્નો અંગે ગાંધીવાદી અભિગમની થયેલી અસરોને કારણે ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ જાળવાઈ રહી હતી. આ માટે બોમ્બે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ એક્ટ, 1946 અને ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્લેટ્સ, 1947 હેઠળ રચવામાં આવેલા તંત્રથી પણ ઘણી સહાય મળી છે. ગુજરાતમાં મજૂરોના કલ્યાણ અર્થે ટ્રેડ યુનિયન્સ ઍક્ટ, લઘુતમ વેતન, લઘુતમ બોનસ, કામદાર કલ્યાણ બોર્ડ, કામદાર શિક્ષણ, ગૃહનિર્માણ વગેરે જેવા કાયદાઓ અને નિયમો અમલમાં છે. ઉપરોક્ત વિવિધ યોજનાઓની નીતિ ચાલુ રાખતાં, ઉદ્યોગો અને કામદાર મંડળો વચ્ચે સંબંધો સ્નેહભર્યા બન્યા. જેના પરિણામે કામદારોની નોકરી અને જીવનધોરણમાં સુધારો થયો, એટલું જ નહીં, પણ ઉદ્યોગોની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો.

જેમણે આજીવન કામદાર કલ્યાણ પ્રવૃત્તિના પોતાના સેવાયજ્ઞ દ્વારા સદાય ચેતનવંતુ વાતાવરણ ઊભું કર્યું હતું, તેવા કામદારોના લોકપ્રિય અને મક્કમ મનોબળ ધરાવનાર નેતા એવા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને આજના દિને યાદ કરવામાં આવે છે. મજૂરોની કલ્યાણકારી પ્રવૃત્તિના મહાયજ્ઞમાં આપણો યત્કિંચિત્ ફાળો આપી કામદાર કલ્યાણના મહાયજ્ઞની ક્ષિતિજોનું વિસ્તરણ કરતાં રહીએ.