વિશ્વ માનવ અધિકાર દિન
10th December
સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક માનવીને જન્મની સાથે જે અધિકારો પ્રાપ્ત થાય છે તેવા અધિકારોને માનવ અધિકાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવ અધિકાર એટલે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત હોય. બીજા વિશ્વયુદ્ધ બાદ 10 ડિસેમ્બર, 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારોની ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી અને તેથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10મી ડિસમ્બર ના રોજ વિશ્વ માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિન લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
 
બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં અમાનવીય અત્યાચારોની પરાકાષ્ટા જોવા મળી. લાખો નિર્દોષ લોકોએ ધૃણાના કારણે અમાનવીય ત્રાસ સહન કર્યો, જેમાંથી વિશ્વ દાયકાઓ સુધી બહાર નીકળી શક્યું નહીં. તેથી જ યુનાઈટેડ નેશન્સે માનવાધિકાર માટે એક ડિકલેરેશન લેટર બહાર પાડ્યો. જેથી વિશ્વ માનવતાના રક્ષણની ખાતરી કરી શકે. માનવ અધિકારો મનુષ્યનું 'મનુષ્ય' તરીકેનું ગૌરવ જાળવી રાખવાના શુદ્ધ હેતુથી ઘોષિત કરાયા છે. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા 500 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને પ્રાપ્ત થાય તે જરૂરી છે. ઉપરાંત તેનો સર્વાગી વિકાસ સાધી શકે અને સામાજિક વાતાવરણ મળી રહે એનો સ્વીકાર કરીને તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે, જેનાથી જાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા શોષિત કરી શકાય નહીં. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણના અધિકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
 
પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસનપ્રથાની પાયાની ઓળખ છે. આ માનવ અધિકારો ભારતીય બંધારણના ભાગ-3માં મૂળભૂત અધિકારોના નામે છે. અને જેઓ આ અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેમને કોર્ટ દ્વારા સજા કરવામાં આવે છે. ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર, 1993 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર, 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ' ની રચના કરવામાં આવી હતી.
 
માનવ અધિકાર દિવસ લોકોમાં સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. જેથી દરેક વ્યક્તિની સુખ-સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય. આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વના દેશોને તમામ લોકો માટે સમાન તકો આપવા માટે પ્રોત્સાહિત કરે છે. આ દિવસે વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેથી લોકો માનવ અધિકારો પ્રત્યે જાગૃત થાય. આપણે આપણા અને બીજાના માનવ અધિકાર પ્રત્યે જાગૃત થઈએ અને તેનું રક્ષણ કરીએ.