વિશ્વ આદિવાસી દિન
09th August
વિશ્વમાં 9 ઓગસ્ટ ને આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. 1991 માં બ્રાઝીલના રિયો-ડી-જાનેરો માં ટકાઉ વિકાસ અને પર્યાવરણ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં દુનિયાના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવ્યા હતા. એમને પોતાના સમુદાયના જંગલ, જમીન, પાણી અને કુદરતી સ્રોત પરના હકની માગણી કરી એમની માંગણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી. વિશ્વભરમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમના હક, અધિકારો અને સમ્માન મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઓગસ્ટ, 1991ને વિશ્વ આદિવાસી દિન જાહેર કરેલ છે.

દુનિયાભરના લગભગ તમામ દેશોમાં આદિવાસી પ્રજા વસે છે. આ પ્રજા તમામ ખંડના રણવિસ્તારોમાં, જંગલોમાં, પર્વતોમાં કે ઊંચા ઘાસનાં બિડો માં વસતી જોવા મળે છે. આદિકાળથી ગામ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં આદિવાસી પ્રજાને મૂળ વસાહતીઓ તરીકે ઓળખવામાં આવે છે.

આપણા દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિ માં થાય છે. પહેલાં આ જાતિમાં શિક્ષણ નહીંવતું હતું. પણ આજે ઘણા આદિવાસીઓ ઉચ્ચ અભ્યાસ કરીને વિકાસ કરી રહ્યા છે, તેમ છતાં અંતરિયાળ દુર્ગમ વિસ્તારમાં આદિવાસી પ્રજા સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને નહિવત અક્ષરજ્ઞાન સાથે જીવી રહી છે. 2011 ની વસતીગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતાનો દર 62.5% હતો. આ સાક્ષરતા દર વધે, આદિવાસી પ્રજામાં શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર વધે અને ઉચ્ચશિક્ષણ મેળવી તેઓ રાષ્ટ્રને ઉપયોગી બને તે ખૂબ જ જરૂરી છે.

આદિવાસી પ્રજામાં નીડરતા, સાહસિકતા. ખડતલપણું, સંઘર્ષશક્તિ જેવા નૈસર્ગિક ગુણો સમાયેલા હોય છે. આ ગુણો વિશ્વ માટે ઉપયોગી બને અને તેઓ વિશ્વમાનવી બને તે માટે વિશ્વ આદિવાસી દિન ઉજવવામાં આવે છે. આદિવાસી એક વિરાસત છે. તેમની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે તેમજ સમાજ ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

આદિવાસીઓનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવશાળી છે. ભારત સહિત વિશ્વમાં એમની વીરતા અને શહાદતની ગૌરવ ગાથાઓ છે. સોમનાથના રક્ષણ માટે નીકળેલા હમીરસિંહને સાથ આપનાર વોગડો ભીલ, અંગ્રેજ શાસન સામે બગાવત કરનાર તાતીથો ભીલ, સમગ્ર આદિવાસી પ્રજા જેને ગુરુ માને છે તે બિરસા મુંડા, માનગઢમાં શહીદી વહોરાનાર આદિવાસીઓના ગોવિંદગુરુ, મેવાડ ધરા ઉપર સીસોદીયાના વંશને બચાવવા પોતાના દીકરાનું બલિદાન આપનાર પન્ના જેવા અનેક વીર રત્નો એના પુરાવા છે. આદિવાસી પ્રજાની વીરતા, બલિદાન અને ખુમારીની આવી તો અનેક ગાથાઓ છે. આ પ્રજાના આવા નૈસર્ગિક ગુણો અને ક્લા તેમજ તેમની સંસ્કૃતિ જળવાય તે માટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન ઉજવવામાં આવે છે.

આજે પણ એવા ઘણા આદિવાસી વિસ્તારો છે, કે જ્યાં શિક્ષણ અને સવલતો પહોંચી નથી અથવા નહીંવત પહોંચી છે. આથી આદિવાસી પ્રજા વિશાળ ફલક ઉપર આવે અને તેમની ઓળખ ઉભી કરે તેવા પ્રયત્નો થવા જોઈએ. તેમની ભાષા અને વ્યાકરણ, તેમના પારંપરિક તહેવારો, તેમના દેવી- દેવતાઓ વગેરે વિશે લોકો જાણે અને અપનાવે તેવા હેતુથી પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત દેશમાં આપણા રાજ્યમાં આદિવાસી ઉત્કર્ષના અનેક કાર્યક્રમો અને વિકાસની યોજનાઓ છે. જેની જાણકારી અને લાભ આદિવાસી પ્રજા મેળવે તેવા હેતુથી આદિવાસી દિવસની ઉજવણી આયોજનબદ્ધ રીતે થાય છે. વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખી વનબંધુ કલ્યાણ યોજના, ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડતી યોજનાઓ, એકલવ્ય જેવી નિવાસી શાળાઓ, જંગલની જમીન, જળ અને વનપેદાશોને લગતી ઘણી યોજનાઓ આજે અમલમાં છે. આ તમામ પ્રયત્નો એટલા માટે કરવામાં આવે છે, કે આદિવાસી પ્રજા મૂળ પ્રવાહ સાથે જોડાઈને સૌની સાથે કદમ મિલાવે.

આપણે આગળ જોયું તેમ આદિવાસી વિસ્તારમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ પહેલા ખૂબ ઓછું હતું. અનેક પ્રયત્નો છતાં એમાં સંતોષજનક પરિણામ મેળવી શકાયું નથી. સરકારની અનેકવિધ યોજનાઓ અમલીકૃત હોવા છતાં આદિવાસી સમાજમાં જોઇએ તેવી પ્રગતિ જોવા મળેલ નથી. આ પરિસ્થિતિમાં આદિવાસીઓના વિકાસ માટે યુનોએ 1994 થી 2004 સુધી મૂળનિવાસીઓ (આદિવાસી)નો દસકો ઉજવ્યો. પછી 2004 થી 2014 સુધી બીજો દસકો ઉજવ્યો. 2015 નું વર્ષ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી ઉજવવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો મુખ્ય આધાર ખેતી અને વન્યપેદાશો છે. તેમના તહેવારો ખેતીની મોસમ અનુસાર આવતા હોય છે તેઓ આજે પણ તેમની મૂળભૂત સંસ્કૃતિને સાચવીને બેઠા છે. તેમની સંસ્કૃતિ, તેમના તહેવારો પોશાક, બોલી વગેરે બધાથી અલગ અને અનોખી રીતભાત ધરાવતા હોય છે. વિશ્વભરના મૂળનિવાસી અને પ્રકૃતિપ્રેમી એવા આદિવાસીઓ પોતાના હક્ક, અધિકારો અને સમાજમાં યોગ્ય દરજ્જો મળે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ 9 ઑગસ્ટને “વિશ્વ આદિવાસી દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. 1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસની ઉજવણી દરમિયાન આદિવાસીઓની સંસ્કૃતિના રીત-રિવાજો, ગીતો, તેમની વીરગાથાઓ તેમજ આઝાદી દરમિયાન કે અન્ય કોઈપણ તેમના મહાન યોગદાનને ઉજાગર કરીને લોકો સમક્ષ લાવવામાં આવે છે. જેથી આદિવાસી પ્રજા લોકોમાં સ્વમાનભેર સ્થાન પામે અને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડાય વિશ્વની વિરાસત એવા આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં આદિવાસી સમુદાયના લોકો, આદિવાસી સંગઠનો સરકારી અને સામાજિક સંસ્થાઓ સામુહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે. આપણે સૌએ આદિવાસી સમાજના સામાજિક, શૈક્ષિણિક અને આર્થિક વિકાસ માટે પ્રયાસો કરવા જોઈએ. આવા પ્રયત્નો થાય તો જ આદિવાસી દિવસની ઉજવણી સાર્થક ગણાય.