આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
21st September
આંતરરાષ્ટ્રીય શાંતિ દિન
સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળે છે. યુદ્ધના કારણે અનેક દેશોએ જાનમાલની તેમજ અનેક રીતે ખુવારી ભોગવવી પડે છે. તેનાથી સમગ્ર વિશ્વની વસતીને વિવિધ યાતનાઓમાંથી પસાર થવું પડે છે. વિશ્વને યુદ્ધથી થતી દુર્દશામાંથી બચાવવા માટે તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ થાય અને શાંતિની સંસ્કૃતિનું નિર્માણ થાય તે હેતુથી સમગ્ર વિશ્વમાં 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને 'વૈશ્વિક યુદ્ધ વિરામ દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૃથ્વી પરના દરેક મનુષ્યોએ અને દેશોએ એકબીજાની સંસ્કૃતિ, ભાષા, ધર્મ વગેરેનો આદર કરીને બધાને અપનાવીને શાંતિનું સામ્રાજ્ય સ્થપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આજે વિશ્વના દરેક વ્યક્તિએ 'વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવના કેળવવી જોઈએ. વિશ્વમાં આ માટે અનેક પ્રયત્નો થયા છે. સૌ પ્રથમ વર્ષ 1981 માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવાનું જાહેર કરાયું અને વર્ષ 1982 થી દર સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિન તરીકે ઉજવવામાં આવતો હતો. વર્ષ 2002 માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ દર 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ દિને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય, ન્યૂયોર્કમાં આવેલ 'યુએન પીસ બેલ' વગાડવામાં આવે છે. આ બેલની ઉપર લખ્યું છે કે "વિશ્વમાં શાંતિ અમર રહો." આ બેલ દુનિયાના જુદાં જુદાં બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કાઓમાંથી બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના યુનાઇટેડ નેશનલ એસોસિએશ ને ભેટમાં આપ્યો છે. આ દિવસે સફેદ કબૂતર ઉડાડીને વિશ્વમાં શાંતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં અનેક દેશોની સરકાર તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકો શાંતિનું મહત્વ સમજે તેમજ વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે.

ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા પંચશીલના સિદ્ધાંતો દ્વારા વિશ્વ શાંતિની હિમાયત કરવામાં આવી હતી. નોબલ પારિતોષિક સમિતિ દ્વારા સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાનની સાથે સાથે શાંતિ એમ કુલ છ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને દર વર્ષે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આમ વિશ્વમાં શાંતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિ વિશેષને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર આપવામાં આવે છે. 2014 માં ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની મલાલા યુસુફઝઈ ને નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મલાલા સૌથી યુવાવયે આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ બની છે. 2015 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવા વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ (SDGs)ની જાહેરાત કરવામાં આવી. તેમાં પણ વિશ્વ શાંતિ અને સલામતીની વાત કરવામાં આવી છે. શાંતિ વિના ટકાઉ વિકાસ સાકાર થઈ શકતો નથી. આ બાબત ધ્યાનમાં રાખીને વિવિધ એજન્ડા તૈયાર કરવામાં આવ્યા છે. આમ વિશ્વસ્તરે શાંતિ માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આપણે પણ વિશ્વ શાંતિ માટેના યજ્ઞના ઋત્વિજ બનીએ.