ભારતીય નૌસેના દિન
04th December
ભારતીય સેનાના મુખ્ય ત્રણ વિભાગો છે. (1) ભૂમિદળ (2) હવાઈદળ અને (3) નૌકાદળ.
 
આજના ભારતીય નૌકાદળની સ્થાપના છેક અંગ્રેજી શાસન વખતે 1612 માં સમુદ્રી સેનાના રૂપમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 'ઇસ્ટ ઇન્ડિયા કંપની મરીન'ના નામે કરી હતી. તે પછી તેને1638 માં 'બોમ્બે મરીન', 1830 માં 'હર મેજેસ્ટીઝ ઇન્ડિયન નેવી', 1892 માં 'રોયલ ઇન્ડિયન મરીન' અને 1934 માં 'રોયલ ઇન્ડિયન નેવી' એવાં નામો અપાતાં રહ્યાં. આઝાદી પછી 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેનું 'ભારતીય નૌકાદળ' અથવા 'ભારતીય નૌસેના' એવું નામકરણ કરીને પુનઃરચના કરવામાં આવી.
 
ભારતીય નૌસેના આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરવામાં અને અન્ય કુદરતી આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવામાં અતૂટ પ્રતિબદ્ધતાથી કાર્ય કરે છે. તેની બહુમૂલ્ય સેવાઓ અને બલિદાનોએ આપણા રાષ્ટ્રને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવ્યું છે. આજે ભારતીય નૌસેના દુનિયાની પાંચમી સૌથી મોટી નૌસેના છે. તેની પાસે અસંખ્ય જહાજો, લડાકુ જળપોત, પનડુબ્બી- સબમરીન, પેટ્રોલ ક્રાફ્ટ, વિમાન વાહક જહાજો અને વિશાળ સેના છે. નૌસેના પાસે શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત છે, જે ભારતના સમુદ્રી ઇતિહાસમાં સૌથી મોટું જહાજ છે તેમાં અત્યાધુનિક સ્વદેશી ઓટોમેશન સુવિધાઓ છે. ભારતની ત્રણ બાજુ સમુદ્ર છે. તેને ઘણી લાંબી દરિયાઈ સીમા છે. આ વિશાળ જળ વિસ્તારની સરહદોની સુરક્ષાનું કામ કપરું છે. છતાં નોંધવું પડે કે ભારતમાં થયેલા બહારના હુમલાઓ જમીન માર્ગે થયા છે, જળ માર્ગે નહીં. આજના મજબૂત ભારતીય નૌકાદળ સામે દુશ્મનોને ટકવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.
 
ભારતીય નૌસેનાનો ઇતિહાસ ગૌરવમય છે. 1961 માં ગોવાને પોર્ટુગીઝોથી સ્વતંત્રતા અપાવવામાં સેનાને તેણે મહત્વપૂર્ણ મદદ કરી હતી. આ ઉપરાંત સૌથી વિશેષ ઘટના જાણવા જેવી છે. 1971 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું. પાકિસ્તાને 3જી ડિસેમ્બરે ભારતીય એરપોર્ટ ઉપર હુમલો કર્યો. એ વખતે તેને જડબાતોડ જવાબ આપવા નૌસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન ટ્રાયડેન્ટ' (યુદ્ધ કાર્યવાહી)નું આયોજન કર્યું. જેનું નેતૃત્વ કમોડોર ગોપાલ રાવે કર્યું. એડમિરલ એસ. એમ. નંદા, વાઈસ એડમિરલ જી. એમ. હિરાનંદાની ના માર્ગદર્શનમાં નૌસેનાએ ચોથી અને 5મી ડિસેમ્બરે રાત્રે કરાંચી બંદર પર હુમલો કરીને પશ્ચિમી તટ ઉપર પાકિસ્તાનની કાર્યવાહીને નિષ્ફળ કરી દીધી. પાકિસ્તાનનાં ત્રણ યુદ્ધ જહાજો ડૂબાડી દીધાં. તેના સેંકડો નૌસૈનિકોને ઠાર માર્યા. ભારતીય નૌસેનાએ પહેલીવાર જહાજ પર એન્ટિશિપ મિસાઈલ થી હુમલો કર્યો. પાકિસ્તાનનાં સંખ્યાબંધ જહાજો અને ઓઇલ ટેન્કરોના કૂરચા ઉડાવી દીધા. કરાંચીમાં હાર્બર ફ્યુલ સ્ટોરેજ તબાહ થઈ ગયું. 60 કિલોમીટર દૂરથી દેખાય એવી આગની જ્વાળાઓ સાત સાત દિવસ સુધી ભડકતી રહી. પાકિસ્તાનની કમર તૂટી ગઈ. તે દરિયાઈ રસ્તે પૂર્વ પાકિસ્તાનને કશી જ મદદ ન કરી શક્યું. પાકિસ્તાનને કારમો પરાજય મળ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી નૌસેના ક્ષેત્રે વિશ્વે નોંધ લીધી છે તેવી આ સફળ કાર્યવાહી હતી.
 
ભારતમાં 'રોયલ ઇન્ડિયન નેવી' દ્વારા લોકોને નેવી વિશે જાગૃતિ માટે 21 ઑક્ટોબર, 1944 ના રોજ પહેલીવાર અને તે પછી 1945 થી 1971 સુધી પહેલી ડિસેમ્બરે નેવી ડે ઉજવાતો, પણ પાકિસ્તાન સામેના ભારતના આ ભવ્ય વિજયમાં 'ઓપરેશન ટ્રાઈડેન્ટ' ની ઉપલબ્ધિઓનું જશ્ન મનાવવા તથા નૌકાદળની સિદ્ધિઓને સલામ કરવા તેમજ યુદ્ધમાં પોતાના પ્રાણની આહૂતિ આપનારા બહાદુર સૈનિકોને સન્માન આપવા 1972 થી દર વર્ષે 4 ડિસેમ્બરે 'નૌસેના દિવસ' ઉજવવામાં આવે છે. આ ઉજવણી એક સપ્તાહથી પણ લાંબી ચાલે છે. જેમાં માર્શલ ધૂન, નેવી બેન્ડ કૉન્સર્ટ, હાફ મેરેથોન, બિટિંગ રિટ્રીટ સેરેમની જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. શાળાઓમાં પણ અનુશાસન શીખવવા તથા વિદ્યાર્થીઓમાં હિંમત જગાડી સશસ્ત્ર દળોમાં જોડાવાની પ્રેરણા મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.
 
આજે ભારતીય નૌકાદળની તાકાત વિશ્વ વિખ્યાત છે, તે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ દુશ્મનોનો સામનો કરવા ખડે પગે તૈયાર છે. આજે નૌસેનામાં મહિલાઓની ભરતી શરૂ થઈ છે. આપણા સ્વદેશી ઉત્પાદનથી નૌકાદળને આત્મનિર્ભર બનાવવાનો પણ આરંભ થઈ ચૂક્યો છે.