ભારતીય સેના દિન
15th January

'ભારતીય સેના દિન' એ બહાદુર સૈનિકો કે જેમણે આપણા દેશ અને નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સન્માનવાનો અને સલામ કરવાનો દિવસ છે. આઝાદી પછી પ્રથમ વખત 15 જાન્યુઆરી, 1949ના રોજ ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.કે.એમ.કરિઅપ્પાને ભારતીય સેનાના પ્રમુખપદની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર આ પદ પર કામ કરતા હતા. લેફ્ટનન્ટ જનરલ કે.કે.એમ.કરિઅપ્પા ભારતીય સેનામાં પ્રથમ ભારતીય નાગરિક હતા, જેમને રાષ્ટ્રપતિ દ્વારા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક દિવસને યાદ કરવા દર વર્ષે 15મી જાન્યુઆરીએ ભારતીય સેના દિન ઉજવવામાં આવે છે.

ભારતીય સેના દિન (ઇન્ડિયન આર્મી ડે) ભારતીય સેનાની બહાદુરીને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે, જેઓ ભારતની એકતા, અખંડિતતા અને સંરક્ષણ માટે 24 કલાક તૈયાર રહે છે. ભારતીય સેના હંમેશાં દેશના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય સેના એ કરોડો દેશવાસીઓના ગૌરવનું પ્રતીક છે. ઈતિહાસમાં અલગ-અલગ સમયે દેશના હજારો જવાનોએ દેશને દુશ્મનોથી બચાવવા બલિદાન આપ્યું છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ, બાંગ્લાદેશની આઝાદી, શ્રીલંકામાં શાંતિની સ્થાપના, ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનામાં જવાનોએ શોર્ય બતાવ્યું છે. દેશની સેનાની બહાદુરી અને બલિદાન પ્રત્યે આદર દર્શાવવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આર્મી ડે નિમિત્તે તમામ આર્મી હેડક્વાર્ટર્સ ઉપર પરેડ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં ખૂબજ મહત્વપૂર્ણ દિવસ છે.

આ મહાન પ્રસંગે યુનિટ પ્રમાણપત્રો અને સેના મેડલ સહિત બહાદુરી પુરસ્કારો વિતરણ કરવામાં આવે છે. આ દિવસે દિલ્હીમાં અમરજવાન જ્યોતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.