ભારતીય વાયુસેના દિન
08th October
ભારતીય વાયુસેના એ ભારતીય સશસ્ત્ર દળોનો એક ભાગ છે, જે દેશ માટે હવાઈ યુદ્ધ, હવાઈ સુરક્ષા અને હવાઈ દેખરેખ નું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ભારતીય વાયુસેના હવાઈદળ તરીકે પણ ઓળખાય છે. તેની સ્થાપના 8 ઑક્ટોબર, 1932 ના રોજ કરવામાં આવી હતી. આથી ભારતમાં 8 ઑક્ટોબર ના દિવસને ભારતીય વાયુસેના દિન તરીકે ઉજવવામાં આવે છે. તે સ્વતંત્રતા પહેલાં રોયલ ભારતીય વાયુસેના તરીકે જાણીતી હતી. આઝાદી પછી તેમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરવામાં આવ્યો અને ફક્ત “ભારતીય વાયુસેના' નામ રાખવામાં આવ્યું. 8 ઑક્ટોબર, 1932 થી ચાર વિમાનો, પાંચ પાઇલોટ્સ, તથા 19 જવાનો સાથે શરૂ થયેલી ભારતીય વાયુસેના આજે વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેના છે.

આ દિવસે વાયુસેનાની પરંપરા અનુસાર એક સપ્તાહ સુધી ચાલનારા કાર્યક્રમો અંતર્ગત વિવિધ સામાજિક સમારોહ યોજાય છે. આ સમારોહમાં સેવાનિવૃત્ત વાયુસેનાના જવાનો પણ જોડાય છે. સવારે સિનિયર સ્ટાફ ઑફિસર એરફોર્સના તમામ કર્મચારીઓને શપથ લેવડાવે છે. શપથગ્રહણ સમારોહ પછી ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને વાયુસેનાના અધ્યક્ષના સંદેશાઓનું પઠન કરવામાં આવે છે.

ભારતીય વાયુદળની કામગીરી સાત ભાગ (કમાન્ડ)માં વહેંચાયેલી છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હી માં આવેલું છે. તેના વડાને ઍર ચીફ માર્શલ કહેવાય છે. આપણા રાષ્ટ્રપતિ લશ્કરની ત્રણેય પાંખના વડા હોવાથી તેઓ ભારતીય વાયુ સેનાના પણ વડા છે. જોધપુર, અંબાલા, કોઇમ્બતુર, બેંગલુરુ, હૈદરાબાદ, આગ્રા વગેરે સ્થળોએ તેનાં તાલીમ કેન્દ્રો છે.

આપણા વાયુદળમાં મિગ, જગુઆર, મિરાજ, તેજસ વગેરે જેવા અત્યાધુનિક લડાયક વિમાનોનો કાફલો છે. આકાશમાં પણ બળતણ ભરી શકે તેવા વિમાનો વાયુસેના પાસે છે. હિન્દુસ્તાન એરોનિટક્સ લિ. નામની જાહેર કંપની વિવિધ પ્રકારનાં વિમાનોનું ઉત્પાદન કરે છે. આ કંપની દ્વારા તાલીમી વિમાનો તેમજ મુસાફરી માટેનાં વિમાનોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે.

ભારતીય વાયુસેનાનું સૂત્ર છેઃ "નભ: સ્પૃશં દીપ્તમ્". (મહિમા સાથે આકાશને સ્પર્શ કરો) જે શ્રીમદ્ ભગવદ્ ગીતા ના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ અર્જુનને દર્શાવેલાં વિશ્વરૂપ દર્શન સમયે અર્જુને તેમના તે સ્વરૂપને આકાશને સ્પર્શતું અને દૈદીપ્યમાન કહ્યું હતું. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો છે. જેના ઉપરની ડાબી બાજુના ખૂણામાં ભારતનો તિરંગો છે. જ્યારે આ ધ્વજના જમણી બાજુ નીચેના ખૂણામાં કેસરી, સફેદ અને લીલા રંગના એક કેન્દ્રીય ચક્રો છે. આ ધ્વજ 1951 માં અપનાવવામાં આવ્યો હતો.

આજ દિન સુધી ભારતીય વાયુસેનાએ ઘણાં મહત્ત્વ નાં ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવી છે. 1965 અને 1971 ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણી વાયુસેનાએ ભવ્ય વિજય અપાવી દેશની શાન વધારી છે. આપત્તિની પરિસ્થિતિમાં વાયુસેના રાહત અને બચાવ કાર્યોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. 1998 માં ગુજરાતમાં આવેલ ચક્રવાત, 2004 માં આવેલ સુનામી, ઉત્તર ભારતમાં આવેલ પૂર દરમ્યાન તેમજ દરેક આપત્તિ સમયે વાયુસેના મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય વાયુસેના તેના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે. દેશમાં ભારતીય વાયુસેના હંમેશાં દેશના સંરક્ષણ માટે સજ્જ અને સમર્પિત રહે છે. ખરેખર ભારતીય વાયુસેના આપણા દેશનું ગૌરવ છે.