સ્વતંત્રતા દિન
15th August
15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણો દેશ સ્વતંત્ર થયો. ભારત દેશ વર્ષો સુધી અંગ્રેજ શાસન હેઠળ રહ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળ સત્ય અને અહિંસાની લડત લડીને, હજારો દેશભક્તોની કુરબાનીને કારણે 15 ઑગસ્ટ, 1947 ના દિવસે આપણા દેશમાં સ્વતંત્રતાનો સૂરજ ઉગ્યો. સ્વતંત્રતાનો આનંદ અનેરો હોય છે. આ આનંદ પ્રાપ્ત કરવા માટે અનેક વીરો શહીદ થયા છે. અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો ભોગ આપ્યો છે.

ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં હજારો ક્રાંતિવીરો, વીર સપૂતો અને વીરાંગનાઓની શૌર્યગાથાઓ છુપાયેલી છે. આઝાદીનો ઈતિહાસ નાનોસૂનો નથી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆતનાં મૂળ તો ઘણાં ઊંડાં છે.

સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ તબક્કામાં 1857 ના વિપ્લવ નું મહત્વ છે. ડેલહાઉસી એ અપનાવેલી ખાલસા નીતિ ને પરિણામે સતારા, ઝાંસી, નાગપુર વગેરે અંગ્રેજોની સત્તા નીચે આવ્યાં. આ વિપ્લવમાં નાના સાહેબ પેશ્વા, ઝાંસીની રાણી લક્ષ્મીભાઈ. જગદીશપુરના વયોવૃદ્ધ રાજા કુંવરસિં અને તાત્યા ટોપે તથા બાદશાહ બહાદુરશાહનો સમાવેશ થાય છે. તેમની વીરતા ઈતિહાસના પાનાઓ પર અંકાઈ છે.

1906 માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખપદેથી દાદાભાઈ નવરોજી "સ્વરાજ" શબ્દનો ઉચ્ચાર કર્યો. 1914 માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. લોકમાન્ય ટિળકે 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને તે મેળવી ને જ જંપીશ' નો નારો ગુંજતો કર્યો. 1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા. 1917 માં ગાંઘીજીના પ્રમુખપદ નીચે ગુજરાત રાજકીય પરિષદ મળી. કોઈપણ વ્યક્તિને કોર્ટમાં કેસ ચલાવ્યા સિવાય જેલમાં પૂરી દેવાનો કાયદો જેને “રોલેટ એક્ટ” કહેવામાં આવતો હતો. તે 1919 માં આવ્યો. ગાંધીજીએ એને ‘કાળા કાયદા' તરીકે ઓળખાવ્યો. લોકોએ ‘રોલેટ એક્ટ” નો વિરોધ કર્યો.

આખા ભારતમાં વિરોધનો વંટોળ જામ્યો. ઠેરઠેર સરઘસો નીકળ્યાં, હડતાલો પાડવામાં આવી. પંજાબના અમૃતસર શહેરમાં જલિયાવાલા બાગમાં લગભગ 20,000 કરતાંયે વધારે લોકોની સભા પર જનરલ ડાયરે આડેધડ ગોળીઓ ચલાવી. આખો દેશ ખળભળી ઉઠ્યો. ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું રણશિંગુ ફૂંક્યું. વિદ્યાર્થીઓએ શાળા- કોલેજોનો ત્યાગ કર્યો. વકીલોએ કોર્ટનો ત્યાગ કર્યો. પરદેશી કાપડની હોળી કરવામાં આવી. દેશમાં અહિંસક ક્રાંતિનો જુવાળ પેદા થયો.

અસહકારનું આંદોલન, સત્યાગ્રહનું આંદોલન અને 1942 નું ભારતછોડો આંદોલન આ તમામે તમામ આંદોલનોમાં ભારતના યુવાનોએ હોંશભેર ભાગ લીધો હતો. સુભાષચંદ્ર બોઝે “આઝાદ હિંદ ફોજ" ની રચના કરી. “ચલો દિલ્હી" ના નારા સાથે આઝાદી જંગનો જુદો મોરચો રચ્યો. તેમણે સશસ્ત્ર યુદ્ધની જાહેરાત કરી.

છેવટે અંગ્રેજ સરકારનાં વળતાં પાણી થવા લાગ્યાં હતાં. આખરે 1947 ની 15મી ઓગસ્ટે આપણો દેશ સ્વતંત્ર થયો. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરના બ્રિટનના યુનિયન જેકના ધ્વજને વાઈસરૉય માઉન્ટબેટને ઉતાર્યો. ત્યાં જવારલાલ નહેરૂએ સ્વતંત્ર ત્રિરંગો ‘રાષ્ટ્રધ્વજ' લહેરાવ્યો. "જયહિંદ" ના નારા સાથે લાલ કિલ્લાનું મેદાન ગુંજી ઊઠ્યું. અખંડ ભારતના બે ટુકડા થયા, ભારત અને પાકિસ્તાન. આઝાદી બાદ ભારત દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ બન્યો.

સ્વતંત્રતા દિવસની ઉજવણીથી દેશના લોકો આઝાદીનું મહત્વ સમજે, તેમના હૃદયમાં દેશભક્તિ જાગે તેમજ દેશ પ્રત્યે સમ્માનની લાગણી કેળવાય તેમજ લોકો દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન વિશે માહિતી પ્રાપ્ત કરે અને તેઓ એકતા, સ્વચ્છતા, સહકાર, જેવાં મૂલ્યો કેળવી દેશને સાચા અર્થમાં સ્વતંત્ર બનાવે તે હેતુઓ કેન્દ્ર સ્થાને છે.

સ્વતંત્રતા દિવસ સમગ્ર ભારતમાં મનાવવામાં આવે છે. સ્વાતંત્ર દિનના રોજ વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ભારતીય ધ્વજ (તિરંગો) ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . ભારતીય રાષ્ટ્રગીત "જન ગણ મન" ગવાય છે. પરેડ અને ટેબ્લો (પ્રતિકૃતિ) સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાનાં દૃશ્ય દર્શાવે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે. આવી જ ઉજવણી રાજ્યની રાજધાનીઓમાં પણ થાય છે. દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.