હાજી અલારખિયાની જન્મજયંતી
13th December
હાજી અલારખિયાની જન્મજયંતી

પોતાના સામયિક પાછળ ખુવાર થઈ જનાર ગુજરાતી ભાષાના જાણીતાં સાહિત્યકાર, પત્રકાર તેમજ લેખક અલારખિયા હાજી મહમ્મદ શિવજી નો જન્મ ૧૩ ડિસેમ્બર,૧૮૭૯ ના રોજ મુંબઈ ખાતે થયો ખોજા ઈસ્લામિક કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ વતન કચ્છ હતું. બાળપણમાં એમણે થોડો સમય પોતાના ઘરે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા બાદ ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ લીધું હતું.

સૌપ્રથમ સચિત્ર સામયિક ગુજરાતીમાં પ્રગટ કરનાર હાજી મહમ્મદ હતા. ઈ.સ. ૧૮૯૫ થી એમણે અંગ્રેજી, હિંદી, ફારસી અને મરાઠીનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતીમાં 'ધ સ્ટ્રાન્ડ મેગેઝિન' જેવા સામયિક લાવવા માટે, તેમણે 'વીસમી સદી' અખબારની સ્થાપના કરી હતી, જે ૧૯૧૪માં એક સચિત્ર સામયિક હતું અને ૧૯૧૬ થી ૧૯૨૦ સુધી પ્રકાશિત થયું હતું.

તેમણે ત્રણ કૌટુંબિક હવેલીઓ વેચી અને સામયિક માટે આશરે ૧.૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. તે લોકપ્રિય બન્યું પણ તેમણે તેમાંથી ક્યારેય પૈસા વસૂલ્યા નહીં. આ ઉપરાંત તેઓ ચિત્રકળાના પણ મર્મજ્ઞ હતા.

સાહિત્યકાર કરતાં પત્રકારક્ષેત્રમાં વધુ કાર્ય કરનાર હાજી મહમ્મદે 'સલીમ' ઉપનામથી મોગલ રંગ મહેલ', 'શીશ મહેલ' જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદો પણ કર્યા છે. આ ઉપરાંત એમણે ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક 'મહેરુન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ’ તથા આત્મવિધા પર લખાયેલી નવલકથા 'રશીદા' પણ લખ્યાં છે.

સાહિત્યના ઉત્કર્ષ ખાતર માત્ર ૪૨ વર્ષનું આયુષ્ય ભોગવીને ભગીરથ કાર્ય કરનાર હાજી મહમ્મદનું ૨૧ જાન્યુઆરી,૧૯૨૧ ના રોજ મુંબઈ ખાતે અકસ્માતમાં અવસાન થયું હતું.