ગુજરાત રાજ્ય સ્થાપના દિન
01st May
"જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત...." તેમજ "મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત..... ગુજરાત મોરી મોરી રે.." જેવી અનેક કાવ્યપંક્તિ ગાતાં આપણા હૃદયમાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ છલકાય છે. "ગુજરાત" શબ્દ સાંભળતાં જ આપણા મન-મસ્તિષ્કમાં એક અનોખો ગર્વ થાય છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1960 હેઠળ બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

પ્રાચીન સમયમાં ગુજરાત રાજ્યનો વિસ્તાર 'આનર્ત પ્રદેશ', 'લાટ પ્રદેશ' વગેરે જેવાં નામે ઓળખાતો હતો. ધીમે ધીમે અહીં 'ગૂર્જર' લોકો રહેવા આવ્યા એટલે 'ગૂર્જર પ્રદેશ' કહેવાયો. ગૂર્જર પ્રદેશમાંથી 'ગુજ દેશ' અને તેમાંથી 'ગુજરાત' નામ ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. 'ગુજરાત' શબ્દનો પ્રથમ ઉલ્લેખ 1233 માં લખાયેલા 'આબુરાસ' નામના પુસ્તકમાં જોવા મળે છે.

દેશની આઝાદી પછી વિવિધ રજવાડાંઓના એકત્રીકરણ થકી ઊભા થયેલા એકમોનું શરૂઆતમાં ચાર વર્ગોમાં અ, બ, ક અને ડ એમ વિભાજન કરવામાં આવેલ, આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. ત્યાર બાદ ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માંગ ઊભી થઈ હતી. ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા 'ઈન્દુચાચા'ના હુલામણા નામે ઓળખાતા ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલીન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા માટે સપ્ટેમ્બર, 1956 માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરી. આ પરિષદના નેજા હેઠળ શરૂ થયેલી મહાગુજરાત ચળવળને 1 મે, 1960 ના રોજ સફળતા મળી. જેના ફળસ્વરૂપે 1960 માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનઃરચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની રચના કરી. કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો. મહાગુજરાત આંદોલનના નેતાઓમાં ઈન્દુચાચા ઉપરાંત ભાઈલાલભાઈ (ભાઈકાકા), બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે. મહાગુજરાત આંદોલનના પરિણામે મરાઠી ભાષા ધરાવતા વિસ્તારમાં 'મહારાષ્ટ્ર રાજ્ય' અને ગુજરાતી ભાષા ધરાવતા વિસ્તારમાં 'ગુજરાત રાજ્ય'ની રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

1 મે, 1960 ના રોજ સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ દ્વારા ગુજરાત રાજ્યની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં રચાયેલી નવી સરકારના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉ. જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ ની નિમણૂક કરવામાં આવી હતી. શરૂઆતમાં ગુજરાતની રાજધાની અમદાવાદ રાખવામાં આવી હતી, ત્યાર બાદ 1965 માં ગાંધીનગરનું નિર્માણ કરીને તેને ગુજરાત રાજ્યનું પાટનગર બનાવવામાં આવ્યું.

'જય જય ગરવી ગુજરાત'