આંતરરાષ્ટ્રીય અહિંસા દિન (ગાંધી જયંતી)
02nd October
ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ. 15 જૂન, 2007 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2 ઑક્ટોબર ને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે જાહેર કરેલ છે. તિથિ મુજબ તેમનો જન્મ ભાદરવા સુદ બારસના દિવસે થયો હોવાથી તે દિવસ રેંટિયા બારસ' તરીકે પણ ઉજવાય છે.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર, 1869ના રોજ પોરબંદર (ગુજરાત)માં થયો. હતો. તેમના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી પોરબંદર રજવાડાના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા દ્વારા ગાંધીજીને બાળપણથી સારા સંસ્કાર મળ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો હતો ત્યારે દાઈ રંભાએ તેમને એ ભય નિવારણ માટે ‘રામ’ નામનો મંત્ર આપ્યો હતો. ગાંધીજીના પિતા રાજકોટ રજવાડાના દીવાન બનતાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં થયું હતું. અહીં તેમણે ‘પિતૃભક્ત શ્રવણ’ અને ‘સત્યવાદી હરિશ્ચંદ્ર'નાં નાટકો જોયાં. આ નાટકોની તેમના જીવન પર ઊંડી અસર થઈ. આ સમયે તેમણે સંકલ્પ કર્યો કે “જીવનભર સત્યનું આચરણ કરીશ.’ ગાંધીજીનાં લગ્ન 1883માં કસ્તૂરબા સાથે થયાં હતાં. પિતાના મૃત્યુ પછી તેમણે મેટ્રિક પાસ કરી અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. ઘરમાં બેરિસ્ટર થવાનું નક્કી થતાં તેઓ બૅરિસ્ટર થવા વિલાયત (ઇંગ્લેન્ડ) ગયા. વિદેશ જતાં પહેલાં તેમણે નિશ્ચય કર્યો કે ત્યાં આગળ માંસ-મદિરાનું સેવન કરીશ નહીં અને તે અનેક મુશ્કેલીઓ વેઠીને પણ તેઓ અડગ રહ્યા. ત્યાં તેઓ સાદાઈથી રહેતા હતા.

પોરબંદરની એક મેમણ પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન તેમણે અંગ્રેજો તરફથી ભારતવાસીઓને થતા અન્યાયનો સામનો કર્યો. અહીં આગળ એમણે ‘નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ'ની સ્થાપના કરીને ગોરાઓ સામે ચળવળનું મંડાણ કર્યુ હતું. ગાંધીજી થોડા સમય માટે દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેમણે લોકમાન્ય ટિળક, ગોપાલકૃષ્ણ ગોખલે તથા ફિરોઝશાહ મહેતા જેવા રાજકીય આગેવાનોને દક્ષિણ આફ્રિકાની હકીકત સમજાવી હતી. બાદમાં તેમણે દક્ષિણ આફ્રિકા આવીને 1910 માં ટૉલ્સટૉય ફાર્મ ની સ્થાપના કરી હતી. તેઓએ યુરોપિયન પહેરવેશનો ત્યાગ કરી નાતાલથી ટ્રાન્સવાલ સુધીની કૂચ કરી હતી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન ગાંધીજીને બે મહિનાની જેલની સજા થઈ હતી. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં મળેલી સફળતાની દુનિયાએ નોંધ લીધી હતી. ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા છોડી 1915 માં ભારત આવ્યાં.

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે કોચરબ આશ્રમની સ્થાપના કરીને ગાંધીજી ભારતને સ્વતંત્રતા આપવાના કામમાં જોડાઈ ગયા. તેમની દેખરેખ અને આગેવાનીમાં નીચે મુજબની ચળવળો થઈ હતી.

ગાંધીજીએ કરેલા સત્યાગ્રહ અને ચળવળ
ચંપારણ સત્યાગ્રહ (1917)
ખેડા સત્યાગ્રહ (1917)
અમદાવાદ મિલ મજૂરોની હડતાળ અને મજૂર મહાજન સંઘની સ્થાપના (1917)
રૉલેટ ઍક્ટ સામેની ચળવળ (1919)
જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધ માટેની ચળવળ (1919)
અસહકાર ચળવળ (1920)
બારડોલી સત્યાગ્રહ (1928)
સવિનય કાનૂન ભંગની લડતના ભાગરૂપ દાંડીકૂચ (1930)
વ્યક્તિગત સત્યાગ્રહ (1940)
હિંદ છોડોની ચળવળ (1942)
સ્વદેશીને ઉત્તેજન આપવા અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવા દેશવ્યાપી આંદોલન.

ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળોની સાથે સાથે રચનાત્મક કાર્યો દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા અનેક કાર્યો કર્યાં હતાં. હરિજન ઉદ્ધાર, ગૌસેવા, ખાદીગ્રામ ઉદ્યોગ, બુનિયાદી તાલીમ, કન્યા કેળવણી, સ્વદેશી અપનાવો, વ્યસન મુક્તિ, શ્રમનું મહત્ત્વ વગેરે જેવાં કાર્યો માટે તેમણે અનેક રાષ્ટ્રીય શાળાઓ, સાપ્તાહિકો, પ્રેસ, ખાદીગ્રામની સંસ્થાઓ, સમિતિઓ વગેરેની સ્થાપના કરી હતી. અમદાવાદની ‘ગૂજરાત વિદ્યાપીઠ’, ‘નવજીવન’ અને ‘હરિજન' વગેરે તેનાં ઉદાહરણો છે.

ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં જણાવ્યું છે કે, “મારે દુનિયાને નવું કશું જ શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે.”
30મી જાન્યુઆરી, 1948ને શુક્રવારે સાંજના સમયે પ્રાર્થનામાં જતી વખતે નથુરામ ગોડસેની ગોળીથી વિંધાઈને બાપુ “હે રામ” બોલી ઢળી પડ્યા હતાં. ‘ગાંધી’ માત્ર એક શબ્દ એક વ્યક્તિ ન રહેતાં વિશેષ અને અનોખી ઓળખના પ્રતિનિધિ બની ગયા છે. ખરા અર્થમાં તેઓ ભારતના ગાંધી નહીં પણ વિશ્વના ગાંધી બની રહ્યાં.