વિશ્વ પૃથ્વી દિન
22nd April
વિશ્વ પૃથ્વી દિન
વિશ્વ પૃથ્વી દિન 22 એપ્રિલે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો હેતુ લોકોને પૃથ્વી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ પ્રદૂષણ અને જૈવ વિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો એક ઉદ્દેશ પણ આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે. ભારતમાં સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન (CEE) ની સ્થાપના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા સપોર્ટેડ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા પર્યાવરણ અને ટકાઉ વિકાસ વિશે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમો અને સામગ્રી વિકસાવવા તરફ કામ કરે છે. તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં આવેલું છે.
 
આ દિવસને ઊજવવા પાછળ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી એક ઘટના પણ જોડાયેલી છે. તે ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણ ગોળાર્ધના પાનખરના પ્રતીક તરીકે ઊજવવામાં આવે છે. 1969 માં કેલિફોર્નિયાના સાંતા બાર્બરામાં ઓઇલ લિકેજના કારણે આફત આવી ગઈ હતી. આ ઘટનામાં જાનમાલની હાનિ થઈ અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યાર બાદ પર્યાવરણપ્રેમી અને અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સન ના આહ્વાન પર 22 એપ્રિલ. 1970 નાં રોજ લગભગ 2 કરોડ અમેરિકનોએ પૃથ્વી દિનના પહેલા આયોજનમાં ભાગ લીધો હતો.
 
વિશ્વ પૃથ્વી દિન ઊજવવાનો હેતુ પૃથ્વી અને પર્યાવરણને બચાવવાનો છે. આપણે બધા કહીએ છીએ પૃથ્વી આપણી માતા છે. પરંતુ કમનસીબે આપણે આપણી માતાની કાળજી લેતા નથી. પ્લાસ્ટિકની થેલીઓ જમીન સહિત, નદીઓ, તળાવો અને દરિયાના પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકમાં હાનિકારક પદાર્થો હોય છે. જે પર્યાવરણ અને પ્રાણીઓ માટે જોખમી બને છે. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી તેની જગ્યાએ કાગળ કે કાપડની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી તેની પ્રાકૃતિક ગુણવત્તા, ઉપયોગિતા નષ્ટ થાય છે.
 
ભારતના વિખ્યાત પર્યાવરણવિદ સ્વ. શ્રી સુંદરલાલ બહુગુણા એ પૃથ્વી દિનની ઉજવણી ભારતમાં કેવી રીતે કરવી જોઈએ તે અંગે કેટલાંક ઉપયોગી અને અસરકારક સૂચનો કર્યા છે.
. પૃથ્વી દિનની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ તેમજ રેલી, સભાઓ, સરઘસ અને પર્યાવરણ સંબંધિત પ્રદર્શન યોજી શાળાના વિદ્યાર્થીઓને જોડવા જોઈએ.
. પૃથ્વી દિને સાઇકલ રેલીનું આયોજન કરવું જોઈએ અને રેલીમાં ભાગ લેતા સહકાર્યકરો ભવિષ્યમાં સાઇકલનો ઉપયોગ કરશે તેવા શપથ લેવડાવવા જોઈએ જેથી પેટ્રોલ બચત સાથે વાયુ પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાશે.
. પ્રદૂષણ નિયંત્રણ માટે ઘડવામાં આવેલ કાયદાઓનો ચુસ્તપણે અમલ થવો જોઈએ.
 
પૃથ્વીની સુરક્ષાની જવાબદારી આપણા સૌની છે. ધરતીના ફળદ્રુપ ઉપલા પડને સાચવવાથી માંડીને તે ક્ષારમુક્ત અને પ્રદૂષણમુક્ત રહે તે જોવાની આપણી સૌની ફરજ છે. ધરતીમાતા પ્રત્યેનું ઋણ અદા કરવા માટે વર્ષમાં આવતો આ એક દિવસ પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટેનો દિવસ ગણાવો જોઈએ. વિશ્વ પૃથ્વી દિન અંગે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં વધુને વધુ લોકો સહભાગી બને તો આપણાં જંગલો વૃક્ષોથી સદા હરિયાળા રહેશે.