દુલિપસિંહજી પુણ્યતિથિ
05th December

કુમાર દુલિપસિંહજી નો જન્મ ૧૩ જુન,૧૯૦૫ ના રોજ ગુજરાતના કાઠિયાવાડમાં આવેલા નવાનગર રજવાડાના કુટુંબમાં એટલે કે હાલનાં જામનગરમાં થયો હતો. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજ અને ચેલ્ટનહેમ કોલેજ, ગ્લોસ્ટરશાયર, ઇંગ્લેન્ડમાંથી શિક્ષણ મેળવ્યું હતું. દુલિપસિંહજી સામાન્ય રીતે કુમાર દુલિપસિંહજી અથવા કે.એસ.દુલિપસિંહજી ના નામે ઓળખાતા હતા. દુલિપસિંહજી એ એક ભારતીય ક્રિકેટ ખેલાડી હતા,જેઓ ઈંગ્લેન્ડ તરફથી રમ્યા હતા. તેમના ભાઇઓમાં હિમાચલ પ્રદેશના પ્રથમ લેફ્ટન્ટ-ગવર્નર હિંમતસિંહજી અને નવાનગરના શાસક તરીકે તેમના કાકા રણજીતસિંહજીના અનુગામી દિગ્વિજયસિંહજીનો સમાવેશ થતો હતો. તેઓ હજુ જ્યારે શાળામાં ક્રિકેટ રમતા હતા ત્યારે એમ.સી.સી.ના ભવિષ્યના પ્રમુખે ક્રિકેટના સામયિક વિઝડનમાં તેમના વિશે લખ્યું હતું.

ચેલ્ટનહેમ કોલેજમાં દુલિપસિંહજીએ ક્રિકેટમાં ભારે સફળતા મેળવીને કેમ્બ્રિજ યુનિવર્સિટી,સસેક્સ કાઉન્ટી અને પછી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં જોડાયા. તેમની માંદગીને કારણે તેમની કારકિર્દી ટૂંકી રહી. જેમાં ફર્સ્ટ કલાસ મેચમાં તેઓએ ૧૫,૪૮૫ રન અને ટેસ્ટ મેચમાં ૯૯૫ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમની સરેરાશ ૫૮.૫ રહી,જે ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓમાં સર્વશ્રેષ્ઠમાંની એક ગણાય છે. તેમની રમત કારકિર્દી પછી તેમને ભારત તરફથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના હાઈ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. તેમના ભારત પાછા કરવા પર તેમને સૌરાષ્ટ્ર રાજ્યના જાહેર સેવા આયોગના ચેરમેન બનાવાયા હતા.

જામનગર (નવાનગર)ના મહારાજા તરીકે તેમણે લોક કલ્યાણના કામોમાં અને રાજ્ય શાસનમાં ઉંડો રસ લીધો હતો. દુલિપસિંહજીનું અવસાન ૫ ડિસેમ્બર,૧૯૫૯ ના રોજ મુંબઈ ખાતે થયું હતું. તેમના માનમાં દુલિપ ટ્રોફીની શરૂઆત થઈ હતી. તેમના કાકા કુમાર શ્રી રણજિતસિંહજી પણ ક્રિકેટ ખેલાડી હતા,જેમના નામ પરથી રણજી ટ્રોફી રમાય છે.