ડૉ. રાજેન્દ્રપ્રસાદ જયંતી
03rd December

ડૉ. રાજેન્દ્રપ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમનો જન્મ ૩ ડિસેમ્બર, 1884 ના રોજ બિહારના સીવાન જિલ્લાના જીરાદેઈ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા, તેમનાં માતા રાજેન્દ્ર પ્રસાદને રામાયણની વાર્તાઓ સંભળાવતાં હતાં.

રાજેન્દ્રપ્રસાદને 5 વર્ષ ની ઉંમરે માતા-પિતાએ એક મૌલવી પાસે મોકલવાનું શરૂ કર્યું, જેથી તે ફારસી, ઉર્દૂ અને હિન્દીનું જ્ઞાન મેળવી શકે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના જ ગામ જીરાદેઈમાં થયું હતું. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે લગાવ ધરાવતા હતા. તેમના ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે તેમણે પટણામાં ટી.કે.ઘોષ એકેડમી માં ભણવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે કોલકાત્તા યુનિવર્સિટી માં પ્રવેશ માટે પરીક્ષા આપી, જેમાં તે પ્રથમ નંબરે પાસ થયા. જેથી તેમને દર મહિને 30 રૂપિયા ની સ્કોલરશિપ મળવા લાગી. તેમના ગામના કોઈ યુવાને પ્રથમ વખત કોલકાત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી હતી, જે ચોક્કસપણે રાજેન્દ્રપ્રસાદ અને તેમના પરિવાર માટે ગર્વની વાત હતી. 1902 માં પ્રસાદજીએ પ્રેસિડેન્સી કોલેજ માં પ્રવેશ મેળવ્યો, જ્યાંથી તેઓ સ્નાતક થયા. 1907 માં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં M.A. કર્યું. તેમણે 1915 માં કાયદામાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી, જેના માટે તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કાયદામાં ડૉક્ટરેટની ડિગ્રી પણ મેળવી.

ડૉ.રાજેન્દ્રપ્રસાદ ખૂબ જ સરળ અને ગંભીર સ્વભાવના વ્યક્તિ હતા. તેઓ દરેક વર્ગના લોકો સાથે સમાન રીતે વર્તતા હતા. 1917 માં મહાત્મા ગાંધીજી બિહાર આવ્યા અને તે દરમિયાન ડૉ. પ્રસાદ ગાંધીજીને મળ્યા. તેઓ તેમની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા. 1919 માં સમગ્ર ભારતમાં અસહકારની ચળવળ ની લહેર હતી.. ગાંધીજીએ તમામ શાળાઓ અને સરકારી કચેરીઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. તે પછી ડૉ. પ્રસાદે નોકરી છોડી દીધી હતી. ચંપારણ ચળવળ દરમિયાન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ગાંધીજીના વફાદાર સાથી બન્યા હતા. 1931 માં કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું. આ દરમિયાન ડૉ. પ્રસાદને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. 1934માં  તેમને મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમણે 1942 માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા.

ભારતને આઝાદી મળી તેના થોડા સમય પહેલાં જ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે બંધારણના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના આ બંધારણ પર હસ્તાક્ષર કરીને ડૉ. પ્રસાદે તેને માન્યતા આપી હતી. 26 જાન્યુઆરી, 1950 ના રોજ તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા અને 1957 માં બીજી વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા. રાષ્ટ્રપતિ પદની મુદત પૂરી થયા બાદ બિહાર વિદ્યાપીઠ માં રહીને લોકસેવા કરતાં રહ્યા. 1962 માં તેમનાં રાજકીય અને સામાજિક યોગદાન માટે ભારતના શ્રેષ્ઠ નાગરિક સન્માન ‘ભારતરત્ન' થી નવાજવામાં આવ્યા હતા.

28 ફેબ્રુઆરી, 1963 ના રોજ હ્રદય રોગના હુમલાને કારણે 78 વર્ષની વયે ડૉ. પ્રસાદનું અવસાન થયું. ભારતીય રાજકીય ઇતિહાસમાં તેમની છબી એક મહાન અને નમ્ર રાષ્ટ્રપતિની છે. ડૉ. રાજેન્દ્રપ્રસાદજીની યાદમાં પટણામાં ‘રાજેન્દ્ર મેમોરિયલ મ્યુઝિયમ' બનાવવામાં આવ્યું છે.