ડૉ. બાબાસાહેબ આંબેડકર પુણ્યતિથિ
06th December

ડૉ. બાબાસાહેબ આંબેડકર: જીવન ચરિત્ર અને યોગદાન

૧. પરિચય: ભારતીય બંધારણના ઘડવૈયા, પ્રખર કાયદાશાસ્ત્રી અને ભારતના પ્રથમ કાયદામંત્રી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશના મહુ મુકામે થયો હતો. તેમને મરણોત્તર ૧૯૯૦માં ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા હતા.

૨. પ્રારંભિક જીવન અને શિક્ષણ: એક મહાર (દલિત) પરિવારમાં જન્મ હોવાથી ભીમરાવને બાળપણથી જ અસ્પૃશ્યતા અને સામાજિક અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. તેમના પિતા રામજી સક્પાલ લશ્કરી શાળામાં સુબેદાર હતા. શાળામાં એક પ્રેમાળ શિક્ષકે તેમનું ઉપનામ 'સક્પાલ' બદલીને 'આંબેડકર' રાખ્યું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ મળતા તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી ગયા, જ્યાં તેમણે એમ.એ. અને પી.એચ.ડી.ની પદવીઓ હાંસલ કરી. ત્યારબાદ લંડન જઈને તેમણે કાયદા અને અર્થશાસ્ત્રમાં વિશેષ અભ્યાસ કરી 'બેરિસ્ટર' અને 'ડૉક્ટર ઓફ સાયન્સ' જેવી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી.

૩. સામાજિક સંઘર્ષ અને નેતૃત્વ: વિદેશથી પરત ફર્યા બાદ વડોદરા રાજ્યમાં નોકરી દરમિયાન પણ તેમને આભડછેટનો કડવો અનુભવ થયો. તેમણે મુંબઈની કોલેજોમાં પ્રોફેસર તરીકે સેવા આપી. ૧૯૨૮માં સાયમન કમિશન સમક્ષ તેમણે દલિતોના હક્કો માટે રજૂઆત કરી. ગોળમેજી પરિષદોમાં તેમણે દલિતો માટે અલગ મતાધિકારની માંગ કરી, જેના લીધે ગાંધીજી સાથે મતભેદ થયા. છેવટે ૧૯૩૨માં ગાંધીજી અને આંબેડકર વચ્ચે ઐતિહાસિક 'પુના કરાર' થયા. તેમણે દલિતોના ઉત્થાન માટે અનેક ચળવળો ચલાવી, 'ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી'ની સ્થાપના કરી અને શિક્ષણના પ્રસાર માટે 'પીપલ્સ એજ્યુકેશન સોસાયટી' દ્વારા સિદ્ધાર્થ કોલેજ શરૂ કરી.

૪. બંધારણના ઘડવૈયા: સ્વતંત્રતા બાદ તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી બન્યા. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ તેમની બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે અથાગ પરિશ્રમ કરી ભારતનું બંધારણ તૈયાર કર્યું, જે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવ્યું. આ મહાન કાર્ય બદલ સમગ્ર રાષ્ટ્ર તેમનું ઋણી છે.

૫. ધર્મ પરિવર્તન અને નિર્વાણ: હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા અને અસમાનતાથી વ્યથિત થઈને તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો. ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ના રોજ નાગપુરની 'દીક્ષાભૂમિ' ખાતે લાખો અનુયાયીઓ સાથે તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને ૨૨ પ્રતિજ્ઞાઓ લીધી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ દિલ્હીમાં આ મહાન યુગપુરુષનું અવસાન થયું.

આમ, ડૉ. આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમાજના વંચિત વર્ગોના ઉત્થાન અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું હતું.