બંધારણ દિન (રાષ્ટ્રીય કાયદા દિન)
26th November
આપણાં દેશમાં 26 નવેમ્બર ‘બંધારણ દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.
 
બંધારણ દિનને ‘રાષ્ટ્રીય કાયદા દિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 19 નવેમ્બર, 2015 ના રોજ 26 નવેમ્બરને ‘રાષ્ટ્રીય બંધારણ દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
 
બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન - ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા. જ્યારે બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ડૉ. ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર નું વિશેષ યોગદાન હતું. તેથી તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે ઓળખવામાં આવે છે.
 
બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946 ના રોજ મળી હતી. બંધારણસભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા-જુદા દેશના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યાર બાદ તેને 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું.
 
ભારતીય બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી, પણ આ નકલો હાથથી લખીને તૈયાર કરવામાં આવી હતી. હાલમાં બંધારણની મૂળ નકલો સંસદની લાઇબ્રેરીમાં હિલિયમથી ભરેલા બોક્સ/કેસમાં રાખવામાં આવી છે. મૂળરૂપે ભારતનું બંધારણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવ્યું હતું.

બંધારણની વિશેષતાઓ :
(1) લોકશાહી
(2) બિનસાંપ્રદાયિક
(3) પ્રજાસત્તાક
(4) સંઘરાજ્ય

સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકારની રચના કરવામાં આવે છે :
(A) સંઘ સરકાર અને
(B) રાજ્ય સરકાર

મૂળભૂત હક :
(1) સમાનતાનો હક
(2) સ્વતંત્રતાનો હક
(3) શોષણ સામે વિરોધનો હક
(4) ધાર્મિક સ્વતંત્રતાનો હક
(5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
(6) બંધારણીય ઈલાજોનો હક