નાતાલ
25th December
 "જિંગલ બેલ, જિંગલ બેલ, જિંગલ ઓલ ધ વે...' નાતાલના દિવસોમાં, આ ધૂન બજારો અને ઘરોમાં સંભળાય છે.
 
ખ્રિસ્તીઓનું મોટામાં મોટું પર્વ નાતાલ 25 ડિસેમ્બર ના રોજ આવે છે. નાતાલ પ્રેમ, આનંદ, પ્રકાશ અને શાંતિનું પર્વ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુનો જન્મદિવસ એટલે નાતાલ. નાતાલને Xmas તરીકે પણ ઓળખવામાં આવે છે. 'X' એ પ્રાચીન ગ્રીક અક્ષર પરથી ઉતરી આવ્યો છે. જે ગ્રીક શબ્દ ક્રિસ્ટોસ નો પ્રથમ અક્ષર છે.
 
નાતાલ પર્વના ચાર અઠવાડિયા પહેલાંનો સમય 'આગમન ઋતુ' તરીકે ઓળખાય છે. આગમન ઋતુ એટલે પ્રભુના આગમનની તૈયારી કરવાનો સમય. આશા, આનંદ, પ્રેમ અને શાંતિ એવા હેતુઓની પ્રાર્થના કરીને પ્રભુ ઇસુના આગમનની તૈયારી કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનાની 25મી તારીખે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર ઇસુના જન્મ માટે ઈશ્વરે માતા તરીકે મરિયમ અને પિતા તરીકે જોસેફને પસંદ કર્યા હતાં. પવિત્ર આત્માના પ્રભાવે મરિયમને ગર્ભ રહ્યો. એ સમયે રોમન બાદશાહ અગસ્તસ દ્વારા આખા રોમન સામ્રાજ્યની વસતી ગણતરી કરવાનું ફરમાન બહાર પાડવામાં આવેલું. સૌને પોતપોતાના વતનમાં નામ નોંધાવવા જવાનું ફરમાન હતું. ઇસુના પિતા જોસેફ અને માતા મરિયમ નામ નોંધાવવા પોતાના વતન બેથલેહેમ જવા રવાના થયાં. આ સમયે મરિયમના ઉદરમાં ઈશ્વરપુત્ર માનવ સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા. તેમનો પ્રસૂતિનો સમય નજીક આવ્યો હતો અને બેથલેહેમમાં તેમને ઉતારા માટે જગ્યા મળતી ન હતી. આખરે બેથલેહેમ ગામની બહાર પશુઓને રાખવાની એક ગમાણમાં જગ્યા મળે છે અને ત્યાં મધરાતે ઇસુનો જન્મ થાય છે.
 
પરંપરાગત રીતે નાતાલ પર્વની ઉજવણીમાં ગભાણ, ક્રિસમસ ટ્રી, તારો, સાન્તાક્લોઝ, ક્રિસમસ કૅરોલ્સ -નાતાલ ગીતો, ક્રિસમસ કેક સૌને જોવા મળે છે. ગભાણ એ પ્રભુ ઈસુના જન્મસ્થળનું પ્રતીક છે. નાતાલ તહેવાર નિમિત્તે ચર્ચમાં અને સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પોતાના ઘરે ઈસુના જન્મનું દૃશ્ય ગભાણ બનાવે છે. ક્રિસમસ ટ્રી શણગારે છે અને સ્ટાર લગાડે છે. ઈસુના જન્મ સમયે એક તારો પ્રગટ્યો હતો, જે મુક્તિદાતાના જન્મની એંધાણી દર્શાવતો હતો. આ તારો નિહાળીને ઇસુના દર્શને પૂર્વના પુરોહિતો આવ્યા હતા. સેન્ટ નિકોલસ એ 'સાન્તાક્લોઝ' તરીકે ઓળખાયા, જે બાળકોને નાતાલના તહેવાર નિમિત્તે ભેટ આપતા હતા. પશ્ચિમના દેશોમાં અત્યારે પણ માતાપિતા બાળકોને સાન્તાક્લોઝના થેલામાં ભેટ મૂકીને આપે છે. આ દિવસે ખ્રિસ્તીઓ ક્રિસમસ કૅરોલ્સ એટલે નાતાલ ગીતો ગાઇને એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
 
પહેલાંના સમયમાં ક્રિસમસના દિવસે લોકો ઉપવાસ કરતા હતા અને સાંજે ખીર ખાઈને ઉપવાસ છોડતા હતા. 16મી સદીમાં પ્લમની ખીરમાં ઘઉંનો લોટ, બટર, વગેરે મિશ્રણ કરીને વાનગી બનાવવાની શરૂઆત થઈ. સમય જતાં આ સ્વરૂપ કેકમાં ફેરવાઈ ગયું અને આજે નાતાલ પર્વની ઉજવણી પ્લમ કેક વગર અધૂરી ગણાય છે.
24મીની રાત્રે અને 25મી તારીખે ચર્ચમાં પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના બાદ સૌ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવે છે. નવાં કપડાં, મીઠાઈ અને ક્રિસમસ કેક ખાઈ સૌ નાતાલ પર્વનો આનંદ માણે છે. નાતાલ તહેવાર 25 તારીખ થી લઈને 31 ડિસેમ્બર સુધી ઉજવવામાં આવે છે.