છત્રપતિ શિવાજી મહારાજ જયંતી
19th February
છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630 ના રોજ હાલના મહારાષ્ટ્રના મરાઠા પરિવારમાં શિવનેરીના પહાડી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઇ તથા પિતાનું નામ શાહજી ભોંસલે હતું.

છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ઉજવણી 1870 માં પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પૂણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી. પાછળથી સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલકે જયંતીની ઉજવણીની પરંપરા આગળ ધપાવી તેમણે બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઊભા રહીને શિવાજી મહારાજ જયંતીના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી દર વર્ષે તેમની જયંતી ઉજવવામાં આવે છે.

શિવાજી તેમના લશ્કરી પરાક્રમ, રાજકીય કુનેહ અને તેમની લોકકલ્યાણ માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેઓ એવા ભારતીય શાસકોમાંના એક હતા, જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે નૌકાદળની કલ્પના રજૂ કરી હોવાનું કહેવાય છે. તેઓ પશ્ચિમ ભારતમાં સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપવા માટે મુઘલ સામ્રાજ્ય અને બીજાપુરના આદિલ શાહી વંશ સામે લડ્યા.

શિવાજીની લશ્કરી ઝુંબેશ, ગેરિલા યુદ્ધની રણનીતિ અને વ્યૂહાત્મક આયોજન થકી તેઓએ મોટી સેનાઓ સામે પણ લડાઈમાં જીત મેળવી હતી. તેમણે પોતાની સેનાને સારી રીતે પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ દળમાં પુનઃસંગઠિત કરી, જેને મરાઠા સેના તરીકે ઓળખવામાં આવે છે.

શિવાજી તેમના લોકોના કલ્યાણ માટે ખૂબજ પ્રતિબદ્ધ હતા તેથી તેમણે લોકોના જીવનને સુધારવા માટે ઘણાં પગલાં ભર્યા હતાં. તેમણે અન્યાયી કર નાબૂદ કર્યા અને ન્યાયિક વ્યવસ્થા યોગ્ય હોવાની ખાતરી કરી. તેમણે મરાઠી ભાષાના ઉપયોગને પણ પ્રોત્સાહન આપ્યું. તેમજ મહારાષ્ટ્રની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું.

શિવાજી ધર્મનિષ્ઠ હિંદુ હતા. તેઓ મૂલ્યોના રક્ષણમાં માનતા હતા. તેઓ અન્ય ધર્મો માટે આદર ધરાવતા હતા. તેમના રાજ્યમાં તમામ સમાજના લોકો વચ્ચે સહિષ્ણુતા હતી, તેમજ તમામ ધર્મોને આદર આપવામાં આવતો હતો. તેમની સેનામાં પણ હિંદુ-મુસ્લિમ બંને ધર્મના લોકો સામેલ હતા.

શિવાજીનો વારસો ભારતીય રાષ્ટ્રીય ચેતનામાં ઊંડે સુધી વિસ્તરેલો હોવાથી તેમને રાષ્ટ્રીય નાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રવાદના હેતુ માટે તેમની હિંમત, નિશ્ચય અને પ્રતિબદ્ધતા માટે તેમને યાદ કરવામાં આવે છે. તેમનું જીવન અને કાર્ય અસંખ્ય ભારતીયોને સામાજિક ન્યાય, માનવ અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યો માટે લડવાની પ્રેરણા આપતા રહે છે.