સુભાષચંદ્ર બોઝ જયંતી
23rd January

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રૅવેન્શૉ કૉલેજિએટ સ્કૂલમાં મેળવ્યું. તે પછીનું શિક્ષણ કોલકાતાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યું. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસીઝ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલ્યા. અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ સુભાષચંદ્ર બોઝે સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા સ્થાને પાસ કરી જવલંત સફળતા મેળવી.

ભારતમાં થયેલ જલિયાંવાલા બાગ હત્યાકાંડથી સુભાષચંદ્ર બોઝ ખૂબજ દુ:ખી થયા. તેમણે 1921 માં સિવિલ સર્વિસમાંથી રાજીનામું આપી દીધું અને ભારત પરત ફર્યા. ત્યારબાદ તેઓ ગાંઘીજી ના સંપર્કમાં આવ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ગાંઘીજીના દિશાનિર્દેશો અનુસાર તેમણે ચિતરંજનદાસ દેશબંઘુને પોતાના રાજનૈતિક ગુરુ બનાવી તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. 1928 માં જયારે સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે કાળા ઝંડા બતાવી તેનો વિરોધ કરવામાં આવ્યો. સુભાષચંદ્ર બોઝે કોલકાતામાં આ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 1928 માં કોલકાતામાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં યોજાયેલા કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ખાખી યુનિફોર્મ પહેરીને મોતીલાલ નેહરુને લશ્કરી રીતે સલામી આપી હતી. 26 જાન્યુઆરી, 1931 ના રોજ સુભાષચંદ્ર બોઝ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને એક વિશાળ મોરચાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે પોલીસે તેમના પર લાઠી ચલાવી ઘાયલ કર્યા અને જેલમાં મોકલી દીધા.

નેતાજીએ તેમના જીવનકાળમાં 11 વખત જેલવાસ ભોગવ્યો હતો. ગાંધીજી સુભાષચંદ્ર બોઝને નેતાજી કહીને સંબોધતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે વર્ષ 1937 માં તેમની સેક્રેટરી અને ઓસ્ટ્રિયન યુવતી એમિલી સાથે લગ્ન કર્યા હતા. તેઓને અનિતા નામે એક પુત્રી હતી. 1938 માં હરિપુરા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ સુભાષચંદ્ર બોઝે રાષ્ટ્રીય યોજના આયોગની રચના કરી 1939 માં ત્રિપુરા અધિવેશનમાં તેઓ ફરીવાર કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા ૩ મે, 1939 ના દિવસે સુભાષબાબુએ ફૉરવર્ડ બ્લૉક નામની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો બાદ સુભાષબાબુને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા. એ પછી ફોરવર્ડ બ્લોક એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ.

બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોને છ મહિનામાં ભારત છોડી જવાનું અલ્ટીમેટમ આપી દીધું. સુભાષચંદ્ર બોઝના આ નિર્ણયનો વિરોધ ગાંધીજી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓએ કર્યો. જેથી સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું. બીજા વિશ્વ યુદ્ધમાં અંગેજો દ્વારા ભારતીય સંસાધનોનો ઉપયોગ કરવાનો ઉગ્ર વિરોધ થયો અને તેના વિરોધમાં જનઆંદોલન શરૂ થયું. આ આંદોલનને લોકોનું ખૂબજ સમર્થન મળ્યું એટલે બ્રિટીશ સરકારે નેતાજીને કોલકાતામાં નજરકેદ કરી લીધા. પરંતુ તેમના ભત્રીજા શિશિરકુમાર બોઝની મદદથી તેઓ અફઘાનિસ્તાન અને રશિયા થઈ જર્મની પહોંચી ગયા.

જર્મનીમાં સુભાષબાબુ હિટલરને મળ્યા. ત્યાંથી તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં અને દેશની આઝાદી માટે કામ કર્યું. 1943માં તેમણે જર્મની છોડી દીધું, ત્યાંથી તે જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને તેનું પુનઃ ગઠન કરી, 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂ નદો મેં તુમ્હેં આઝાદી દૂંગા'ના નારા આપ્યા. તેમણે મહિલાઓ માટે ઝાંસીની રાણી રેજીમેન્ટની રચના કરી. જેના કેપ્ટન તરીકે લક્ષ્મી સહેગલ ની નિમણૂ ક કરવામાં આવી હતી.

2 ઓક્ટોબર, 1943 ના રોજ તેઓએ આઝાદ હિંદ સરકારની સ્થાપના કરી. આ સંગઠનના ઝંડા ઉપર ગર્જના કરતા વાઘનું ચિત્ર પ્રતીક તરીકે હતું. નેતાજી આઝાદ હિંદ ફોજ સાથે 4 જુલાઈ, 1944 ના રોજ બર્મા પહોંચ્યા હતા. ત્યાંથી ઉત્તરપૂર્વનાં રાજ્યો પર અંગ્રેજ શાસન સામે મોરચો માંડ્યો. 18 ઓગસ્ટ, 1945 ના રોજ ટોકિયો જતી વખતે તાઇવાન પાસે કહેવાતી એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યું. જેના કારણે તેમના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. આવા સ્વાતંત્ર્ય સેનાની અને મહાન દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને દર વર્ષે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની ભારત સરકારે 2022 માં જાહેરાત કરી છે.