ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી
14th April
સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન અથાક પ્રયત્નો કરી લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર સાચા અર્થમાં મહામાનવ હતા. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા, કાયદાના પ્રકાંડ પંડિત હતા. તેઓ અસ્પૃશ્યો અને મહિલાઓની મુક્તિના હિમાયતી હતા. તેમનો જન્મ 14 એપ્રિલ, 1891 માં મહુ (મધ્યપ્રદેશ) મુકામે સામાન્ય અને તે જમાનામાં અછૂત ગણાતા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેમના જીવનઘડતરમાં મોટો ફાળો આપનાર તેમના શિક્ષક કૃષ્ણજી કેશવ આંબેડકર પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમણે પોતાની અટક આંબેડકર રાખી હતી. પ્રખર સ્મરણશક્તિ, બુદ્ધિમત્તા, નખશિખ પ્રામાણિકતા, સત્યનો આગ્રહ, નિયમિતતા, દ્રઢ નિર્ણયશકિત તેમજ સંગ્રામી સ્વભાવ એ બધું તેમના વ્યક્તિત્વમાં ઝળકતું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના હીરને પારખી વિદેશમાં જઈ ઉચ્ચશિક્ષણ મેળવવા શિષ્યવૃત્તિ આપી.
 
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી તેમણે રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનવવિજ્ઞાન, દર્શનશાસ્ત્ર અને અર્થનીતિનો ઊંડો અભ્યાસ કર્યો. અમેરિકામાં ભારતીય સમાજવ્યવસ્થાથી ભિન્ન સમાજનો પરિચય થયો. ત્યાં એક સેમિનારમાં તેમણે 'ભારતીય જાતિ વિભાજન' અંગેનો પોતાનો શોધપત્ર વાંચ્યો. અભ્યાસના પરિપાકરૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર ડિઝર્ટેશન લખી 1915 માં એમ.એ.ની પદવી મેળવી. ત્યારબાદ પીએચ.ડી.ની પદવી માટે 1916 માં બ્રિટિશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થા વિષય ઉપર મહાનિબંધ લખ્યો. આમ તેઓ વિદેશની યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટ કરનાર પ્રથમ ભારતીય બન્યા.
 
ડૉ. આંબેડકરે અસ્પૃશ્યતાના નિવારણ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પછાત ગણાતા વર્ગોમાં જાગૃતિ લાવી તેમને અસ્પૃશ્યતા સામેની લડત માટે તૈયાર કર્યા. તેવું જ કામ મહિલા ઉત્થાનના તેમના પ્રયત્નોમાં જોઈ શકાય છે. ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા ચાલુ હતી તેમાં દરેક બાબતને શબ્દબદ્ધ કરનારી મહત્ત્વની સમિતિ એટલે ખરડા સમિતિ. આ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કરેલ કામની સાર્વત્રિક પ્રશંસા પણ થઈ. તેમની આ કામગીરીના ફલસ્વરૂપ તેઓ 'બંધારણના ઘડવૈયા' તરીકેની ઓળખ પામ્યા.
 
સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદાપ્રધાન તરીકે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું હતું. હિન્દુ કોડ બિલ પસાર ન કરાવી શકવાના કારણે તેમણે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને તેમની વૈચારિક દૃઢતાનો પરિચય આપ્યો. 1954 માં કાઠમંડુમાં યોજાયેલ બૌદ્ધસભામાં તેમને 'બોધિસત્વ'ની ઉપાધિ થી નવાજવામાં આવ્યા. 1956 માં તેમણે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વિના પોતાનાં કાર્યોમાં સતત વ્યસ્ત રહ્યા. છેવટે 6 ડિસેમ્બર, 1956 ના રોજ તેમનું અવસાન થયું. તેમનાં જીવનકાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 1990 માં તેમને મરણોપરાંત 'ભારતરત્ન' તરીકે સન્માનિત કરવામાં આવ્યા.