-
કવિ દલપતરામ જયંતી
કવિ દલપતરામ જયંતી
દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મ 21 જાન્યુઆરી, 1820 રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો. દલપતરામ તરીકે તેઓ વધુ જાણીતા છે. તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા. લોકોની જીભે રમતાં અનેક કાવ્યો કવિ દલપતરામે લખ્યાં છે. આ કાવ્યોનો ગુજરાત રાજયની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો. એલેકઝાન્ડર ફાર્બસે કવિ દલપતરામને 'કવિશ્વર' ઉપનામ આપ્યું હતું.
કવિ દલપતરામના પિતાનું નામ ડાહ્યાભાઈ ત્રવાડી અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામે ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ સામવેદનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેમની પ્રથમ કવિતા 'બાપાની પીંપર' હતી. બચપણમાં એમણે 'કમળલોચિની' અને 'હીરાદંતી' નામે બે વાર્તાઓ દોહરા, ચોપાઈમાં રચેલી. 'જ્ઞાનચાતુરી' નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો. તેમણે કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, નાટક વગેરેનું સર્જન કર્યુ.
દલપતરામ અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારે અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાથે મિત્રતા થઈ જે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વિરલ ઘટના ગણાય છે. ફાર્બસે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' નામની સંસ્થા સ્થાપી હતી. જે બાદમાં 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઈ હતી. આ સંસ્થામાં દલપતરામે ચોવીસ વર્ષ સુધી સેવા આપી હતી. આ સંસ્થાના મુખપત્ર 'બુદ્ધિપ્રકાશ'ના સૌપ્રથમ તંત્રી તરીકે પણ તેમણે કાર્ય સંભાળ્યું હતું. ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને પ્રયોજવાનું શ્રેય દલપતરામને જાય છે. ગુજરાતી સાહિત્યમાં દલપતરામનું સર્જન ચિરસ્થાયી છે. એમનો સમયકાળ ગુજરાતી સાહિત્યમાં 'દલપતયુગ' તરીકે ઓળખાય છે.
તેઓએ હુન્નરખાનની ચઢાઇ, માના ગુણ, દલપતકાવ્યો (ભાગ: ૧ અને ૨), ફાર્બસ વિરહ જેવી કવિતાઓ, ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો, મિથ્યાભિમાન, લક્ષ્મી, સ્ત્રીસંભાષણ ગંગાબાઈ જમનાબાઈની વાત વગરે નાટકો, દલપતપિંગળ, ગુજરાતી ભાષાના કવિઓનો ઈતિહાસ જેવી કૃતિઓની રચના કરી છે. દલપતરામમાં 'પંચતંત્ર'ના કર્તાના જેવી મનુષ્ય સ્વભાવની પરખ અને તીક્ષ્ણ વ્યવહારબુદ્ધિ હતી. તેની પ્રતીતિ તેમનાં સર્જેલાં માનવપાત્રો અને પશુપંખીમાં થાય છે. તેનાં ઉદાહરણમાં જીવરામ ભટ્ટ, અંધેરીનગરીનો ગંડુ રાજા, લાલો બારોટ, રાજદરબારમાં ગયેલો કણબી, બેગરજુ કેશવો, શરણાઈવાળો, ભોળોભાભો વગેરે માનવપાત્રો હતાં. તેમજ સિંહને શિકારીથી ચેતવાનું કહેવા ગયેલી બકરી, પોતાના ગર્જતા પ્રતિબિંબને જોઈ કૂવામાં પડનાર સિંહ, તેને આપઘાત કરવા પ્રેરનાર શિયાળ, ભસીને ગૌરવ લેતો કૂતરો, વાંકદેખું ઊંટ, પરસ્પર વિવાદ કરતા કાક-હંસ, માની શિખામણને અવગણીને હેરાન થનાર માખીનું બચ્યું વગેરે પશુપંખીનાં દૃષ્ટાંતોમાં પણ એનો ખ્યાલ આવે છે.
કવિ દલપતરામની સ્મૃતિમાં 2010થી 'કવિશ્વર દલપતરામ એવોર્ડ' એનાયત થાય છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે 'કવિ દલપતરામ ચોક' પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે. અહીં કવિશ્વર દલપતરામનું 120 કિલોગ્રામનું માનવ કદનું બાવલું પણ મૂકવામાં આવેલું છે.
કવિ દલપતરામનું અવસાન 25 માર્ચ 1898 ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.