વીર ભગતસિંહ જન્મજયંતી
28th September
'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાકિસ્તાન) થયો હતો. ભગતસિંહ બંગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી લાહોરની હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ કોલેજમાં જોડાયા. ત્યાંના રાષ્ટ્રવાદી શિક્ષકોનો પ્રભાવ તેમના જીવન પર પડયો. યુવાનોમાં ક્રાંતિની ભાવના જાગૃત કરવા તેમણે લાહોરમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી. યુવાનો સાથે કામ કરતાં તેમને સુખદેવ, યશપાલ, ભગવતીશરણ, ચંદ્રશેખર આઝાદ, જતીન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓનો પરિચય થયો.

30 ઓક્ટોબર, 1928 ના રોજ સાયમન કમિશન ના વિરોધમાં લાહોરમાં લાલા લજપતરાય ના નેતૃત્વ હેઠળ નીકળેલા સરઘસ પર પોલીસે સખત લાઠીચાર્જ કર્યો. તેમાં લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા દિવસ પછી તેઓ વીરગતિ પામ્યા. ભગતસિંહ અને તેમના સાથીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર એવા પોલીસ અધિકારી મિ.સ્કોર્ટ નું ખૂન કરવાનું નક્કી કર્યું, પરંતુ પોલીસ ચોકીમાંથી જતા પોલીસ અધિકારી સોન્ડર્સને મિ.સ્કોર્ટ સમજી ભગતસિંહે ગોળીબાર કર્યો. તેથી સોન્ડર્સ મરણ પામ્યો. આ ઘટના બાદ ભગતસિંહ ગુપ્ત વેશે લાહોરથી નિકળી ગયા.

8 એપ્રિલ, 1929 ના રોજ ભગતસિંહે અને તેમના સાથી બટુકેશ્વર દત્તે નવી દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે વિઝીટર્સ ગેલેરી માંથી બે બોમ્બ ફેંક્યા અને ત્યાં જ ઉભા રહી ગયા. બોમ્બ નાંખવા માટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી. 12 જૂને એસેમ્બલી બોમ્બકાંડમાં બંનેને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી.

સોન્ડર્સ ખૂન કેસમાં ભગતસિંહ ઉપરાંત સુખદેવ અને રાજગુરુ પણ સંકળાયેલા હતા એવું પોલીસને જાણવા મળ્યું. આથી તેમની ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. લાહોરની સેન્ટ્રલ જેલમાં "ઇન્કલાબ ઝીંદાબાદ"ના નારા લગાવ્યા અને ત્રણેયે એક પંક્તિ બુલંદ અવાજમાં ગાઈ:
"દિલ સે નિકલેગી મર કર ભી વતન કી ઉલ્ફત. મેરી મિટ્ટી સે ભી ખૂશ્બુ એ વતન આયેગી."

23 માર્ચ, 1931 ની સાંજે ક્રાંતિવીરોને ફાંસી આપવામાં આવી અને આ ત્રણેય ક્રાંતિકારીઓના પાર્થિવ શરીરને સતલજ નદી કાંઠે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા. રાષ્ટ્રના ચરણે ભારતના આ દિવ્ય પારિજાત પુષ્પો સદાકાળ માટે મઘમઘતાં રહેશે.