બકરી ઈદ (ઈદ ઉલ - અઝા)
07th June

ઈદ એટલે ખુશી અથવા આનંદનો દિવસ પોતાની અત્યંત પ્રિય વ્યક્તિની ઈશ્વરને કુરબાની આપતા હોય તે ભાવનાથી મુસ્લિમો આ દિવસે પ્રાણીની કુરબાની આપે છે. તેની પાછળ, કૌટુંબિક મોહ ત્યજી શુદ્ધ ઈશ્વરભક્તિ કરવાની ભાવના કેળવવાનો ઉદ્દેશ રહેલો છે. ઈશ્વરભક્તિ અને કૌટુંબિક મોહ એ બે વચ્ચે પરાપૂર્વથી યુદ્ધ ચાલતું આવ્યું છે. ધર્મપાલનને અર્થે કૌટુંબિક મોહનો નાશ કરનાર ઘણા સંતો-ભક્તોના દ્રષ્ટાંતો છે. 

અત્યંત પ્રાચીન ગણાતા આ તહેવારની પાછળ કુરબાનીની જે કથા છે તે આ તહેવારનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે. ઈશ્વરનિષ્ઠ ઇબ્રાહિમને પોતાના બે પુત્રો પૈકી નાના પુત્ર ઇસ્માઈલ પર અત્યંત વહાલ હતું. તેથી શૈતાને ઈશ્વરને ફરિયાદ કરીને ઇબ્રાહીમની પ્રભુનિષ્ઠા પ્રત્યે શંકા વ્યક્ત કરી. ઇબ્રાહીમની શ્રદ્ધાની કસોટી કરવા અને શૈતાનની શંકા નિર્મૂળ કરવા ઈશ્વરે ઇબ્રાહીમને સ્વપ્નમાં દર્શન આપીને પોતાની સૌથી પ્યારી ચીજની કુરબાની કરવા કહ્યું. ઇબ્રાહીમે બકરીની કુરબાની આપી પરંતુ ઈશ્વરને તેનાથી સંતોષ ન થયો. એમણે ઇબ્રાહીમ પાસે એના વહાલા પુત્ર ઇસ્માઈલની કુરબાની માગી ઇબ્રાહીમ હસતે મુખે પોતાના વહાલા પુત્રની કુરબાની આપવા તૈયાર થયા. શૈતાને ઇસ્માઈલ અને તેની માતાને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ પ્રેમાળ કુટુંબમાં ઈશ્વરભક્તિ એટલી દ્રઢ હતી કે શેતાનના હાથ હેઠા પડયા. ઇબ્રાહીમે આંખે પટ્ટી બાંધી તેના પુત્ર ઇસ્માઈલની ગરદન પર છરી ચલાવી પણ જ્યાં આંખે બાંધેલી પટ્ટી ખોલી જોયું તો પુત્ર ઇસ્માઈલની જગ્યાએ એક પ્રાણી-બકરાની કુરબાની થયેલી હતી અને તેનો પુત્ર જીવિત હતો. આમ, એક પશુની કુરબાની ઇશ્વરે કબૂલ રાખી. આ જ વંશમાં ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબરનો જન્મ થયો હતો.

બકરી ઈદને દિવસે મુસ્લિમો એકબીજાને મળી પ્રેમથી ભેટે છે. હિંદુઓ પોતાના મુસ્લિમ મિત્રોને 'ઈદ મુબારક' કહેવા તેમને ઘેર જાય છે. આમ આ દિવસ હિંદુ-મુસ્લિમ એકતાનો દિવસ બની રહે છે. આ દિવસે કૌટુંબિક મોહ ત્યજી, શુદ્ધ ઇશ્વરભક્તિ કરવી, કર્તવ્ય આગળ મોહની કુરબાની આપવી.આ મહાન સત્ય સમજાવવામાં આવે અને તેને અનુસરવા અનુરોધ કરવામાં આવે.

કાકા કાલેલકરે કહ્યું છે કે બકરી ઈદનો તહેવાર એકલા ઇબ્રાહીમ અને તેનાં પુત્રનું સ્મરણ કરવા પૂરતો સીમિત ન બનાવી દઈએ. આજ સુધી ધર્મને નામે જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે તેવા બધા ધર્મવીરોનું (ખાસ કરીને રાજા રુકમાંગદે, શેઠ સગાળશા, રાજા હરીશ્ચંદ્ર, મેવાડના પન્ના ધાઈ વગેરે) આપણે સ્મરણ કરવું જોઈએ. બકરી ઈદના દિવસે ઇબ્રાહીમની સાથે સાથે પોતાના ધર્મના સત્યનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ ત્યાગવીરોને યાદ કરવાની પ્રણાલી જો હિંદુઓ પાડશે તો તેમની ધાર્મિકતા વધશે એટલું જ નહિ, આપણા દેશની રાષ્ટ્રીય એકતા વધારવામાં પણ આ દિવસ પ્રાણ પૂરશે. આપણે એટલું યાદ રાખીએ અને સમજીએ કે પશુઓને મારવા આ તહેવાર ઊજવાતો નથી, પરંતુ પોતાને અત્યંત પ્રિય હોય તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરવાની તૈયારી કેળવવા માટે આ તહેવાર પ્રયોજાયો છે. આનાથી આપણામાં સર્વધર્મ સમભાવ કેળવાશે અને ચારિત્ર્યનું ઘડતર થશે.