સશસ્ત્ર સેના ધ્વજ દિન
07th December
દેશની સુરક્ષા માટે સરહદો પર બહાદુરીપૂર્વક લડતા સૈનિકો તેમજ શહીદોના સન્માન માટે સમગ્ર દેશમાં 7મી ડિસેમ્બર ના રોજ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન' ઉજવવામાં આવે છે. દેશના સીમાડાઓના રક્ષણ કરતા અને પોતાનું જીવન ન્યૌછાવર કરનાર શહીદ સૈનિકોના સન્માન માટે પ્રત્યેક નાગરિક 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' ની ઉજવણીનો ભાગ બને એવા પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકો, દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવાનો છે. વર્ષોથી, આ દિવસને ભારતના સૈનિકોના સન્માન તરીકે મનાવવાની પરંપરા બની ગઈ છે.
 
ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ, સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ. 28 ઑગસ્ટ, 1949ના રોજ સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) અથવા ભારતીય સૈન્ય ધ્વજ દિન મનાવવાનું નક્કી કર્યું. દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણી માટેનો અન્ય એક હેતુ હતો. ધ્વજ યુનાઇટેડ કિંગડમ ના સંરક્ષણ મંત્રાલય જેવો જ છે, જેનો સૌપ્રથમ ઉપયોગ 1956 માં સાથી કોમનવેલ્થ સભ્યો સાયપ્રસ, ભારત, કેન્યા અને નાઇજીરીયા દ્વારા કરવામાં આવ્યો હતો.
 
ભારતીય સૈન્ય ધ્વજ દિન અથવા સશસ્ત્ર સેના ધ્વજ દિન મુખ્યત્વે ત્રણ મૂળભૂત હેતુઓ પૂરા કરવા માટે મનાવવામાં આવે છે :
(1) યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિનું પુનર્વસન
 (2) દેશની સુરક્ષા માટે સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ
(3) ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ.
 
આ દિવસે ભારતીય ધ્વજ, બેઝ, સ્ટીકરો અને અન્ય વસ્તુઓના વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કરીને સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને શહીદ સૈનિકોના પરિવારને સહાયરૂપ થવામાં આવે છે. આ દિવસ ભારતીય નાગરિકો માટે ભારતના લશ્કરી કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રશંસા વ્યક્ત કરવાનો અને દેશની સેવામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાનો પ્રસંગ છે.
 
સશસ્ત્ર સેના ધ્વજ દિન (Armed Forces Flag Day) પર ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો, ભારતીય ભૂમિસેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના કર્મચારીઓના પ્રયાસોને સામાન્ય જનતાને દર્શાવવા માટે વિવિધ પ્રકારના શો, કાર્નિવલ, નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરે છે. કેન્દ્રિય સૈનિક બોર્ડ કે જે સંરક્ષણ મંત્રાલયનો એક ભાગ છે, તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ એકત્ર કરી તેનું સંચાલન કરવામાં આવે છે. આ દિવસે લોકો શહીદો, ભારતના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ પ્રત્યે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને દેશની સેવામાં મૃત્યુ પામેલા સૈનિકોનું સ્મરણ કરી યથાયોગ્ય અનુદાન અર્પણ કરે છે.