છોટા ઉદેપુરમાં કારમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી:ગાડીના નીચેના ભાગમાંથી 41 હજારનો વિદેશી દારૂ જપ્ત, એક આરોપી ઝડપાયો
Published on: 15th June, 2025
છોટા ઉદેપુર ટાઉન પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતી ઈકો સ્પોર્ટ કારને રંગપુર નાકા પરથી ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમી મુજબ ઈકો સ્પોર્ટ ગાડી નંબર GJ 06 JM 8199 માં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. પોલીસે ગાડીની તપાસ કરતા તેના નીચેના ભાગમાં ખાસ બનાવેલા ગુપ્ત ખાના માં થી વિદેશી દારૂની 325 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 41,600 છે. પોલીસે ગાડીના ચાલક ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભોપો મોહનભાઈ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપી વડોદરાના કરજણ વિસ્તારના હનુમાન ફળિયા, જુના બજારનો રહેવાસી છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અવાર નવાર અન્ય રાજ્યોમાંથી દારૂની હેરાફેરીના પ્રયાસો થતા રહે છે. પોલીસે આ કેસમાં વિદેશી દારૂ, ઈકો સ્પોર્ટ ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3,42,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.