પારડીમાં બંધ ફ્લેટમાં ચોરી:ત્રણ ચોરોએ 2.70 લાખના દાગીના-રોકડની ચોરી કરી, CCTV માં કેદ
Published on: 15th June, 2025
વલસાડ જિલ્લાના પારડીમાં ઉમરસાડી વિસ્તારના વસુદેવ રેસીડન્સીમાં ચોરીની ઘટના બની છે. એફ-વિંગના ફ્લેટ નં. 104માં ત્રણ અજાણ્યા ઈસમોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો. ફરિયાદી નિકેશ કિરણસિંહ રાજપૂરોહિત વ્યવસાયના કામે બહાર હતા. તેમના માતા-પિતા રાજસ્થાન ગયા હતા. 13મી જૂને રાત્રે ઘરે પરત ફરતા તેમણે દરવાજાનો નકુચો કપાયેલો અને તાળું ઉંધું જોયું હતું. ચોરોએ બેડરૂમના કબાટમાંથી બે સોનાની ચેઇન (દરેક 1-1 તોલા, કિંમત રૂ.40,000), 8 ગ્રામની સોનાની વીટી (રૂ.10,000), 1.25 તોલાની સોનાની કાનની બૂટ્ટી (રૂ.50,000) અને રૂ.1,30,000 રોકડની ચોરી કરી હતી. કુલ ચોરીનો મુદ્દામાલ રૂ. 2,70,000 છે. એપાર્ટમેન્ટના CCTV કૅમેરામાં ત્રણ અજાણ્યા ઇસમો રાત્રિના સમયે દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશતા દેખાયા હતા. પારડી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.