વિશ્વ હાથી દિન
12th August
હાથીની મુખ્ય બે જાત છે - એશિયન અને આફ્રિકન. આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે. "હાથી જીવે ત્યારે લાખનો, મર્યે સવા લાખનો" કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે. તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે. હાથીની દુર્દશા જાણે, સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે તે બાબતે વિશ્વના લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે 12 ઑગસ્ટના રોજ “વિશ્વ હાથી દિન” (World Elephant Day) મનાવવામાં આવે છે. 13 ઓક્ટોબર, 2010 ના રોજ ભારતમાં રાષ્ટ્રીય વન્યપ્રાણી બોર્ડ (National Board for Wild Life - NBWL) ની સ્થાયી સમિતિની બેઠકમાં હાથીને રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, પર્યાવરણ મંત્રાલયે 15 ઓક્ટોબર, 2010 ના રોજ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.

હાથીઓ સમગ્ર જીવસૃષ્ટિ અને પ્રકૃતિના સંતુલન માટે ખૂબ મહત્વપૂર્ણ પ્રાણી છે. અન્ય વન્યજીવોની પ્રજાતિઓ તથા નિવસનતંત્ર (Ecosystem) જાળવવામાં પણ હાથી ખૂબ મદદરૂપ છે. 'હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા' જોડકણું સાંભળતાવેંત નાના મોટા સહુ કોઈને સૂંઢ ડોલાવતો હાથી નજરે ચડે છે. બાળકોના પ્રિય પ્રાણી હાથી પર અનેક જોડકણાં, બાળગીતો અને બાળવાર્તાઓ છે ત્યારે 12 ઓગષ્ટે ઉજવવામાં આવતા વિશ્વ હાથી દિનને થોડા રોચક - રસપ્રદ અને માહિતીસભર તથ્યોથી ઉજવી આ દિવસને સમગ્ર વિશ્વમાં હાથીઓના સંરક્ષણ માટે સમર્પિત કરીએ.

હાથી વિશે રોચક તથ્યો:
  • હાથીનું આયુષ્ય 100 વર્ષથી પણ વધુ છે.
  • પ્રત્યેક મિનિટે હાથી 2 થી 3 વાર શ્વાસ લે છે અને છોડે છે.
  • હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતો નથી, પરંતુ તે લાંબા સમય સુધી તરવાની ક્ષમતા ધરાવે છે.
  • હાથી તેના શરીરનું તાપમાન જાળવવા માટે તેના કાન સતત હલાવ્યા કરે છે.
  • હાથીઓ ગાઢ જંગલમાં માર્ગ બનાવે છે જે બીજા પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરાય છે.
  • હાથી દિવસના લગભગ 16 કલાક જેવો સમય ખાવામાં જ વિતાવે છે.
  • કીચડ હાથીઓ માટે સનસ્ક્રીનનું કામ કરે છે માટે હાથી કીચડમાં જ આળોટે છે.
  • આફ્રિકન હાથી જમીન ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે.
  • હાથીઓ નિવસનતંત્ર અને જૈવવૈવિધ્ય (ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી) જાળવવામાં મદદ કરે છે.
  • હાથી એક દિવસમાં 300 લીટર સુધી પાણી પી શકે છે.
  • હાથીઓ ભાગ્યે જ જોડીયા બચ્ચાંને જન્મ આપે છે.
  • હાથીઓના બચ્ચાંને પોતાની સૂંઢ ચૂસવાની આદત હોય છે.
  • તાલીમ પામેલ હાથી પોતાની સૂંઢથી ચિત્રો પણ દોરી શકે છે.
  • હાથીનું શરીર નાના-નાના વાળથી ઢંકાયેલું હોય છે, શારીરિક વિકાસની સાથે જ આ વાળની વૃદ્ધિ ઘટી જાય છે.
  • હાથીની ત્વચા જાડી હોવા છતાં બહુ સંવેદનશીલ હોય છે.