મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

વિશ્વ દૂધ દિન

1 જૂન 2026

આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે.


સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા વિશ્વ દૂધ દિન ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉજવણી માટે 1 જૂનની જ પસંદગી કરવામાં આવી કારણ કે ઘણા દેશો પહેલીથી જ આ દિવસને 'દૂધ દિન' તરીકે ઊજવતા હતા. દૂધને વૈશ્વિક ખોરાક તરીકેનું મહત્ત્વ આપવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિન ઊજવવામાં આવે છે.


આ દિનની ઉજવણીનો મુખ્ય હેતુ ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડવાનો છે. તેમજ પશુપાલન દ્વારા લોકોની આજીવિકામાં ડેરી ક્ષેત્રના યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.


દૂધ એ પૃથ્વી પર સૌથી વધુ વ્યાપકપણે ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓ પૈકી એક છે. દૂધ માનવને જરૂરી 22 પોષક તત્ત્વોમાંથી 18 પોષક તત્ત્વો પૂરાં પાડે છે.


ગુજરાતમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલાં એકમોમાં અમૂલ (આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ) ડેરી મુખ્ય છે. અમૂલ એક સહકારી દૂધમંડળીઓનો સંઘ છે. જેની સ્થાપના 1946માં થઈ હતી. જે સહકારી ક્ષેત્રે ચાલતી લાંબાગાળાની સફળ સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સંસ્થા સહકારી રીતે દૂધ ઉત્પાદન કરતા લાખો લોકોની માલિકીની સંસ્થા છે. અમૂલ વિશ્વની સૌથી વધુ દૂધના પાઉચ બનાવતી બ્રાન્ડ છે.

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર