વિશ્વ હિપેટાઇટિસ દિન
28 જુલાઈ 2026
વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હિપેટાઇટિસના શિકાર બન્યા છે.
વિશ્વ હિપેટાઇટિસ દિનની ઉજવણી માટે 28 જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે 28 જુલાઈ નૉબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક ડૉ. બરુચ બ્લુમબર્ગ નો જન્મદિવસ છે. તેમણે હેપેટાઇટિસ B વાયરસ (HBV)ની શોધ કરી હતી તેમજ વાયરસના નિદાન, પરીક્ષણ અને તેના ઉપચાર માટેની રસી વિકસાવી હતી. આ દિવસ દર વર્ષે વિવિધ થીમ પર ઊજવવામાં આવે છે.
વિશ્વભરમાં વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગના નિવારણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વેગ આપવો, વિવિધ સંસ્થાઓની ભાગીદારી દ્વારા નિદાન, પરીક્ષણ અને રસી જેવી પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય જોડાણને પ્રોત્સાહિત કરવા જેવા હેતુઓ પણ આ દિવસની ઉજવણીના કેન્દ્ર સ્થાને રહેલાં છે. WHOએ વિશ્વમાંથી 2030 સુધીમાં હેપેટાઇટિસ નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખેલ છે.
હિપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના યકૃત (લીવર)ને અસર કરે છે. લીવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી અગત્યનું અંગ છે. લીવર શરીરની અલગ-અલગ ક્રિયાઓમાં મદદ કરે છે જેમ કે જમવાનું પચાવવામાં, શક્તિ જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢી શરીરને બિન ઝેરી કરવામાં વગેરે. હિપેટાઇટિસ થવાથી લીવરમાં સોજો આવે છે જેના કારણે લીવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે.
ભારત સરકારે 28 જુલાઈ, 2018 ના રોજ રાષ્ટ્રીય વાઈરલ હિપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ (National Viral Hepatitis Control Program) શરૂ કર્યો હતો.
હિપેટાઇટિસના પાંચ પ્રકાર : A, B, C, D અને E
હિપેટાઇટિસના પાંચ પ્રકાર : A, B, C, D અને E
- આ પાંચ પ્રકાર પૈકી હિપેટાઇટિસ A અને E દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે.
- હિપેટાઇટિસ B, C અને D વ્યક્તિના શરીરના તરલ પદાર્થો જેવાં કે લોહી, લાળ વગેરે (બોડી ફ્લુઇડ્સ)ના સીધા સંપર્કમાં આવવાથી થાય છે.
- હિપેટાઇટિસના ઉપરના પાંચ પ્રકારમાંથી હિપેટાઇટિસ C સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે.
- હિપેટાઇટિસ C થી પીડિત વ્યક્તિ નેત્રદાન કરી શકતી નથી.