મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન

14 એપ્રિલ 2026
આપણા દેશમાં દર વર્ષે 14 એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' (National Fire Service Day) ઊજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 ના દિવસે મુંબઈ બંદર ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં આકસ્મિક રીતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટક પદાર્થો તેમજ યુદ્ધની સામગ્રી ભરેલી હતી. તેમાં અચાનક આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ બુઝાવવાનું કાર્ય કરતા હતા. જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે આ ઘટનામાં 300 થી વધારે લોકો ભોગ બન્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોકોની સલામતી માટે અને દેશની માલમિલકતનું રક્ષણ કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલ ને 'રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન' તરીકે ઊજવી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનારા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપરાંત આગથી બચવાના ઉપાયો માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ ઊજવવામાં આવે છે.   આપત્તિ એટલે કોઈક એવી પરિસ્થિતિ જે ચેતવણી આપ્યા સિવાય કે ખૂબ ટૂંકાગાળાની ચેતવણી આપીને જ એકદમ ત્રાટકે અને જાનમાલની ખુવારી સર્જી જાય છે. આપત્તિ વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડયા છે. કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ. પૂર, ભૂકંપ, વાવાઝોડું, ત્સુનામી, દુષ્કાળ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. આ બધી આપત્તિઓથી બચવા માટે તથા તેને ટાળવા માટે અગમચેતીનાં પગલાં લેવાં જરૂરી છે. આથી. આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત આગ-સલામતી અંગે જનજાગૃતિ માટે આ દિવસની ઉજવણી થાય છે.   દરેક બિલ્ડિંગ તથા હોસ્પિટલ માટે 'નેશનલ બિલ્ડિંગ કોડ' લાગુ કરવામાં આવ્યા છે અને ફરજિયાતપણે દુર્ઘટના નિવારણ અને સલામતીના નિયમોનું પાલન કરાવવામાં આવે છે. જુદા જુદા વિસ્તારોમાં આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિના જીવન અને મિલકતની સલામતી તેમજ રક્ષણ માટે સરકાર દ્વારા 'ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ- 2013' બનાવવામાં આવેલ છે, જે હાલ અમલમાં છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકારી દ્વારા ઇમારતો, કાર્યશાળા, તમામ જાહેર જગ્યાઓ, વેરહાઉસ કે બિલ્ડિંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી રાખવાની ફરજ પાડવામાં આવે છે.

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર