મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

મહાગુજરાત આંદોલન

8 ઓગસ્ટ 2026
દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી સાથે 1956 માં શરૂ થયેલું રાજકીય આંદોલન એટલે મહાગુજરાત આંદોલન. આ આંદોલન 1 મે, 1960 ના રોજ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.
સામાન્ય રીતે ભાષાવાર પ્રાંતની રચના કરવાની માંગનો સ્વીકાર ન થયો અને દ્વિભાષી મુંબઇ રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છને મુંબઇ રાજ્યમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં. પરિણામે વહીવટની તમામ બાબતોમાં ગુજરાતી ભાષા અને ગુજરાતીઓની અવગણના થતી હોવાનું લોકોને લાગ્યું. હાઇકોર્ટ છેક મુંબઇમાં હોય ત્યારે ઉત્તર ગુજરાતના લાકોને તો ખૂબ જ અસહજ લાગે તે સ્વાભાવિક હતું. આ અસંતોષની જ્વાળાઓ આખરે મહાગુજરાત આંદોલન સ્વરૂપે ભભૂકી ઊઠી હોવાનું સ્પષ્ટ થાય છે.
ભારતની આઝાદીની લડત બાદ 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન ગણાય છે. મહાગુજરાત આંદોલનમાં 1958 માં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત' નો નારો બુલંદ બન્યો.
8 ઑગસ્ટ, 1956 ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. મહિલાઓએ પણ આગળ વધીને આંદોલનમાં ભાગ લીધો હતો અને કેટલીક મહિલાઓએ ધરપકડ વ્હોરી હતી.
ટૂંકમાં આ આંદોલનમાં ગુજરાતના લોકો હડતાળો, વિદ્યાર્થીઓનાં દેખાવો, જંગી સરઘસોરૂપે ભાગીદાર બન્યા. પોલીસનો ગોળીબાર, વિદ્યાર્થીઓનાં મૃત્યુ અને ગુજરાતીભાષી વિસ્તારોમાં અરાજકતાના કારણે આંદોલન વધારે તીવ્ર બન્યું.
આખરે ગુજરાતના અલગ રાજ્યની માંગ સ્વીકારાઇ અને 1 મે, 1960 ના દિવસે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સમાવી નવું રાજ્ય બન્યું. જેનું ઉદ્દઘાટન મૂકસેવક રવિશંકર મહારાજ ના હસ્તે સાબરમતી ગાંધીઆશ્રમમાં કરવામા આવ્યું. પાછળથી તત્કાલીન બૉમ્બે સ્ટેટ (પ્રૉવિન્સ)નો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા 1956 થી 1960 સુધી ચાલેલા મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા ઇન્દુલાલ યાજ્ઞિક ના નેતૃત્વમાં શહીદ સ્મારક બનાવવાની માગણી સાથે લગભગ એક વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો હતો. આ સ્મારકનું ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 1968 ના દિવસે કરવામાં આવ્યું હતું.
અમદાવાદના લાલદરવાજા ખાતે મહાગુજરાત આંદોલનના સાક્ષીરૂપે સ્મારક તૈયાર કરવામાં આવેલું છે.
  • સમયગાળોઃ તારીખ 8 ઑગસ્ટ 1956 થી 1 મે, 1960
  • સ્થળ: મુંબઈ રાજ્ય, ભારત
  • આંદોલનનું ધ્યેય: દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગણી
  • વિરોધની રીતઃ દેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ
  • પરિણામ: 1 મે, 1960 ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના.

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર