મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

આંતરરાષ્ટ્રીય યોગ દિન

21 જૂન 2026

21મી જૂન નો દિવસ એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ.આ દિવસથી સૂર્યનું દક્ષિણાયન શરૂ થાય છે. આવી ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ હોવાને કારણે 2014માં સંયુક્ત રાષ્ટ્રો (UN)ની મહાસભામાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં 21મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઊજવવાનું સૂચન કર્યું. ત્યાર બાદ 21 જૂન 2015ના દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય યોગ દિન'ની ઉજવણી થઈ અને ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિન ઊજવવામાં આવે છે.

વાસ્તવમાં યોગ એ આપણી અતિ પ્રાચીન વિદ્યા છે. યોગ એ પ્રાયોગિક વિજ્ઞાન છે. એટલું જ નહીં. તે પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે. યોગ શબ્દ સંસ્કૃત યુન્ન ધાતુ પરથી આવેલો છે. જેનો અર્થ થાય છે - જોડાણ સંગઠન.
યોગના વિવિધ પ્રકારો છે. જેમ કે અષ્ટાંગ યોગ, હઠયોગ, કુંડલિની યોગ વગેરે. જેમાંથી આપણે સૌ મોટાભાગે અષ્ટાંગ યોગના આઠ અંગો નો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. જે નીચે મુજબ છે:
1. યમ
2. નિયમ
3. આસન
4. પ્રાણાયામ
5. પ્રત્યાહાર
6. ધારણા
7. ધ્યાન
8. સમાધિ

જ્યાં સુધી આપણે પોતાની જાત સાથે જોડાતા નથી ત્યાં સુધી સમાધિ અવસ્થામાં પહોંચવું મુશ્કેલ છે. ઘણી જગ્યાએ આસન, પ્રાણાયામ અને ધ્યાન એ ત્રણ અંગોનો જ ઉપયોગ થાય છે. યોગ એ શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. જે વિવિધ આસનો, પ્રાણાયામ તથા ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે અને વ્યક્તિનાં મન, શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે.

યોગના ફાયદાઃ
-યોગના નિયમિત અભ્યાસથી આપણા પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, ચેતાતંત્ર વગેરેની કાર્યશીલતા વધે છે.
-વિવિધ આસનોના અભ્યાસથી શરીર ચુસ્ત, તંદુરસ્ત તથા સુદૃઢ બને છે તેમજ રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
-પ્રાણાયામ દ્વારા મગજ અને લોહીને વધુ પ્રાણવાયુ (ઓક્સિજન) મળે છે.
-ધ્યાન દ્વારા મગજ શાંત બને છે અને સકારાત્મક વિચારો આવે છે
-અનિદ્રા, લોહીનું દબાણ, પાંડુરોગ, મધુપ્રમેહ, માઈગ્રેન, સાંધાના દુખાવા, થાઇરોઇડ જેવા અનેક રોગોમાં નિયમિત યોગ અભ્યાસથી રાહત મળે છે.

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર