આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન
3 જુલાઈ 2026
દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી આપવા તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે 3 જુલાઈ 2009 ના દિવસથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન મનાવવાની શરૂઆત થઈ. પ્લાસ્ટિક પ્રદૂષણની ગંભીર સમસ્યામાંથી સમગ્ર વિશ્વને બચાવવા માટે આ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક બેગની જગ્યાએ પર્યાવરણને અનુકૂળ પેપર બેગ અથવા કપડાંની બેગનો ઉપયોગ કરવા માટે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દર વર્ષે આ દિવસ ઊજવવામાં આવે છે. આ અભિયાન ‘ઝીરો વેસ્ટ યુરોપ બેગ ફ્રી વર્લ્ડ’ દ્વારા સમગ્ર વિશ્વને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે વૈશ્વિક પહેલ બની ગયું છે. વ્યક્તિગત સ્તર પર પ્લાસ્ટિકની ગંભીર સમસ્યાને દૂર કરવા માટેનો સંકલ્પ લેવા અંગે લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસે મીટીંગ, ડિબેટ્સ, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે જળાશયો, જંગલો અને અન્ય જગ્યાઓ પરથી પ્લાસ્ટિક દૂર કરી પર્યાવરણને સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવે છે.
દુનિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ વધી રહ્યો છે અને તેમાંય બેગના સ્વરૂપમાં તેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. શાકમાર્કેટથી લઈને મોટી મોટી માર્કેટ અને મોલમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ હોવા છતાં વેચાયેલ દરેક સામાન ખુલ્લેઆમ પ્લાસ્ટિક બેગમાં અપાઈ રહ્યો છે. દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ થાય છે. તેમાંથી ફક્ત 1% પ્લાસ્ટિક બેગનું જ રિસાઇક્લિંગ થાય છે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ એવરેજ 30 મિનિટ માટે થાય છે, પરંતુ તેનો નાશ થવા માટે 500 થી 1000 વર્ષ લાગે છે. અન્ય પદાર્થ માટીમાં ભળી જાય છે, પરંતુ પ્લાસ્ટિક વર્ષો સુધી માટીમાં ભળતું નથી અને પર્યાવરણને દૂષિત કરે છે.
પ્લાસ્ટિકનો દુષ્પ્રભાવ જાણતા હોવા છતાં લોકો તેનો ઉપયોગ પોતાની સગવડ ખાતર કરે છે અને પછી ફેંકી દે છે. નિર્દોષ પશુ પંખીઓથી લઈને સમગ્ર જીવસૃષ્ટિ માટે પ્લાસ્ટિક હાનિકારક હોવા છતાં લોકો તેની ગંભીરતા સમજતા નથી. દરિયામાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણથી દરિયાઈ જીવો પર પણ જોખમ વધી રહ્યું છે અને દરિયાઈ જીવો લુપ્ત થતા જાય છે.
પ્લાસ્ટિક ના કારણે થતા પ્રદૂષણો:
- પ્લાસ્ટિક બાળવાથી ડાયોક્સિન ગેસ નીકળે છે, જે તાજી હવાને દૂષિત કરે છે અને સમગ્ર જીવસૃષ્ટિને જીવલેણ રોગ તરફ ધકેલે છે.
- પ્લાસ્ટિકની થેલીઓ જમીનમાં દાટવાથી ભૂમિ પ્રદૂષણ પણ થાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ભૂમિથી લઈને જળાશયો, સાગર, પ્રકૃતિ અને પર્યાવરણ માટે પણ જોખમકારક છે.