મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

હિરોશીમા દિન

6 ઓગસ્ટ 2026
6 ઑગસ્ટ ને માનવજાતના ઇતિહાસના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1945 ના આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. જ્યારે 9 ઓગસ્ટે નાગાસાકી શહેર પર પરમાણુ હુમલો કર્યો હતો. વિશ્વના લોકોને અણુબોમ્બની ભયાનકતાનો ખ્યાલ આવે તેમજ આ હુમલાના હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી શકાય તે માટે હિરોશીમા અને નાગાસાકી દિન ઉજવણી કરવામાં આવે છે.
જીવનથી ધબકતા આ શહેરોને પળવારમાં ખંડેર બનાવી દેનારી આ ગોઝારી ઘટનાની કારમી અસરો વર્ષોથી માનવજાત ભોગવી રહી છે. આ દુનિયાનો પહેલો પરમાણુ હુમલો હતો. આ ધડાકા બાદ તાપમાન એટલું વધી ગયું હતું કે અનેક લોકો બળીને ખાક થઈ ગયા. મિનિટોમાં હિરોશિમા શહેરનો 80 ટકા ભાગ બળીને તબાહ થઈ ગયો હતો. તબાહી આટલેથી ન અટકતાં જે લોકો બચી ગયા હતા એમાંથી હજારો લોકો પરમાણુ વિકિરણો સાથે જોડાયેલી બીમારીનો ભોગ બન્યાં અને હજુ સુધી પેઢી દર પેઢી આ બીમારીની કારમી અસરો ભોગવી રહ્યા છે. બોમ્બના કારણે કાળો વરસાદ થતાં ઘણા કિમી સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે દૂષિત થઈ ગયો હતો.
હિરોશિમા પર ફેંકવામાં આવેલા 20 હજાર ટન ની ક્ષમતાવાળા બોમ્બનું નામ લિટલ બોય હતું જ્યારે ત્રણ દિવસ બાદ નાગાસાકી શહેર પર ફેટ મેન નામનો બોમ્બ ઝીંકવામાં આવેલો.
તે સમયના અમેરિકાના તત્કાલીન પ્રમુખ હેન્રી ટ્રુમેન દ્વારા બીજા વિશ્વયુદ્ધ માં લેવાયેલ આ નિર્ણયને માનવજાત પરના સૌથી જઘન્ય અને વિવાદાસ્પદ કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વિશ્વશાંતિ અને માનવજાતના કલ્યાણના પરિપ્રેક્ષ્યમાં આવી ઘાતકી ઘટના ચોક્કસ મનોમંથન માંગી લે છે.
વર્તમાન સમયમાં અનેક રાષ્ટ્રો પરમાણુ શક્તિ બની ચૂક્યાં છે તેમજ અત્યંત ઘાતકી શસ્ત્રો, રસાયણો અને જૈવિક વિષાણુઓની શોધ થઈ છે જેનો તમામ દેશોએ સંગ્રહ કર્યો છે.
આવા સંજોગોમાં જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ શકે તેમ ઘણા ચિંતકો કહે છે. આ માટે વિશ્વશાંતિની દિશામાં કામ કરવાની જરૂર છે.

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર