મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

વિક્રમ સારાભાઈ જન્મ જયંતી

12 ઓગસ્ટ 2026
અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક હતા. ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919 ના રોજ અમદાવાદ માં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નહોતો. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતાં નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયાં હતાં. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ- વિજ્ઞાનના પ્રખર હિમાયતી અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની હતા.
વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો. એમના માટે બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. તેમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાન હતું. 1937 માં આર.સી. ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજ માં પ્રવેશ મેળવી તેઓ સ્નાતક થયા. 1941 થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી.વી. રામન ના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલોરમાં તેઓએ બ્રહ્માંડ કિરણો (કૉસ્મીક રૅઝ) નો અભ્યાસ કર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. 1947 માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમ સારાભાઇનો બ્રહ્માંડ કિરણો પરનો શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને "કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ" વિષય પર Ph.D. ની ડિગ્રી એનાયત કરી અને તેઓ ડૉ.વિક્રમ સારાભાઇ બન્યા.
ડૉ. વિક્રમ સારાભાઈએ કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તૂરભાઇ ના સાથ સહકારથી AHMEDABAD TEXTILE INDUSTRY'S RESEARCH ASSOCIATION (ATIRA) સ્થાપના કરી. ડૉ. વિક્રમ સારાભાઈ પોતે જ ATIRA ના પહેલા નિયામક બન્યા.
બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રૅઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે 1947 માં અમદાવાદની એમ.જી.સાયન્સ કૉલેજમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની શરૂઆત કરી. જે આજે PRL(PHYSICAL RESEARCH LABORATORY) ના નામે સમગ્ર દેશમાં જાણીતી સંસ્થા છે. ત્યાર બાદ તેમણે નીચે મુજબની સંસ્થાઓ સ્થાપી:
  • ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ
  • અમદાવાદ કમ્યુનિટી સાયન્સ સેન્ટર
  • નેહરુ ફાઉન્ડેશન
  • અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન
  • થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ત્રિવેન્દ્રમ્
  • શ્રી હરિકોટા રોકેટ રેન્જ
  • એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન
  • ઇસરો, અમદાવાદ
  • ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન
  • સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી
  • ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ
  • ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી
ડૉ. વિક્રમ સારાભાઈ એમની વૈજ્ઞાનિક તરીકેની સેવામાં ઈસરોના અધ્યક્ષ તરીકે અને ભારતીય અણુપંચના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ ડૉ. સારાભાઈના માર્ગદર્શન હેઠળ Ph.D. ની પદવી પ્રાપ્ત કરી. ડૉ. વિક્રમ સારાભાઈએ લગભગ 85 જેટલા વૈજ્ઞાનિક અને સંશોધનને લગતા વિવિધ લેખો પણ લખ્યા છે.
30 ડિસેમ્બર, 1971 માં માત્ર બાવન વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમ સારાભાઈએ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી. 1972 માં ભારત સરકારે એમને મરણોત્તર પદ્મવિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. ડૉ. વિક્રમ સારાભાઈના અથાગ પ્રયત્નોથી ભારત દ્વારા 1975 માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.
ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પણ ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ કાર્યક્રમ અને મિસાઈલ કાર્યક્રમના પિતા ગણાવતા હતા કારણ કે ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડૉ. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ઉપગ્રહ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તાર સુધી સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડૉ. વિક્રમ સારાભાઈનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું છે.

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર